ખેડૂતોના વિરોધ પ્રદર્શનને લઈને ફરી એકવખત ખેડૂત સંગઠનના નેતા રાકેશ ટિકૈતે સરકાર સામે બાંયો ચડાવી દીધી છે. થોડા સમય પહેલા દિલ્હી બોર્ડર પર બેરિકેટ દૂર કરવામાં આવ્યા હતા. એ સમયે લાગ્યું કે મામલો થાળે પડવાનો છે. પણ હવે સ્થિતિ ગંભીર બની રહી છે. ખેડૂત સંગઠન નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, તા.27 નવેમ્બરથી ખેડૂત ગામડેથી ટ્રેક્ટર લઈને દિલ્હીની ચારેય બાજું આંદોલન કરશે. દિલ્હી બોર્ડર સુધી પહોંચશે. મજબુત કિલ્લેબંધી સાથે આંદોલન કરશે. આંદોલનના સ્થળે તંબુ બાંધવામાં આવશે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને તા.26 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ નવું અલ્ટિમેટમ છે. તેમણે એવું પણ કહ્યું કે, ખેડૂતો દિલ્હી આવીને પોતાના આંદોલનને વેગ આપશે. તા.27 નવેમ્બરથી ખેડૂતો ટ્રેક્ટર લઈને દિલ્હી આવશે. દિલ્હીની ચારેય બાજુથી આંદોલન થશે. આ પહેલા રાકેશ ટિકૈતે કહ્યું કે, દિલ્હીની બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોને બળજબરી પૂર્વક દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો સરકારી કાર્યાલયને અમે શાકભાજી માર્કેટમાં ફેરવી દઈશું. દિલ્હી ગાઝીપુર બોર્ડર અને દિલ્હી ટીકરી બોર્ડરથી બેરિકેટ દૂર કર્યા છે. રસ્તો પૂરી રીતે ખોલી દેવામાં આવ્યો છે. ખેડૂત અને પોલીસ ટીમ વચ્ચે કોઈ ઘર્ષણ ન થાય એ માટે રાકેશ ટિકૈતે ચેતવણી આપી છે. પોલીસ વિભાગને એલર્ટ આપતા કહ્યું કે, પોલીસ બેરિકેટની સાથે અમારા ટેન્ટ પણ ઉખેડવા પ્રયત્નો કરી રહી છે. દિલ્હી પોલીસે આ મામલે સ્પષ્ટતા કરી કે, અમે એવું કંઈ કર્યું નથી. કોઈ ખેડૂતના ટેન્ટ ઉખેડ્યા નથી. આવા આરોપ પાયાવિહોણા છે. ખોટા આરોપ છે. ગત વર્ષે તા.26 નવેમ્બરથી આ આંદોલન શરૂ થયું હતું.
ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવા માટેની માગ કરાવામાં આવી છે. ખેડૂત સંગઠનના નેતા અને સરકારના પદાધિકારી-અધિકારીઓ વચ્ચે આશરે 12 વખત બેઠક થઈ ચૂકી છે. પણ આમાં કોઈ પ્રકારનો નિર્ણય સામે આવ્યો નથી. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. પણ હજુ સુધી સરકારે બિલ અંગે સ્પષ્ટતા કરી નથી. જોકે, હજુ સુધી કૃષિ બિલને લઈને કોઈ નીવેડો આવ્યો નથી. રાકેશ ટિકૈતે અંતે ઉમેર્યું કે, સરકારે ખેડૂતોના દરવાજા બંધ કર્યા છે. લોકોના દરવાજા પણ સરકારે બંધ કરી દીધા છે, અમે કોઈ દરવાજા બંધ કર્યા નથી. ગાઝીપુર બોર્ડર પર દિવાળીની ઉજવણી કરવામાં આવશે.