સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક મોટો આંચકો આપતા પેગાસસ જાસુસી કાંડ મુદ્દે નિષ્ણાંતોની કમિટીને લીલી ઝંડી આપી છે. લાંબા સમયથી ભારતીય રાજકારણને ધમરોળનાર આ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે લોકોની જાસૂસી કોઇપણ કિંમતે મંજૂર નથી. કેન્દ્ર સરકાર તરફથી જાસુસી થઇ છે કે નહીં તે અંગે કોઇ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી. તેથી હવે નિષ્ણાંતોની કમિટી મારફત આ પ્રકરણની સ્વતંત્ર તપાસનો આદેશ આપીએ છીએ. તે માટે સુપ્રીમ કોર્ટે 3 સભ્યોની કમિટી નિયુક્ત કરી છે અને તેને આઠ સપ્તાહમાં રિપોર્ટ આપવા જણાવ્યું છે.
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી. રમણ,સૂર્યકાંત તથા હીમા કોહલીની ખંડપીઠે ગત તા.11 સપ્ટેમ્બરના રોજ પેગાસસ જાસુસી મુદ્દે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં જણાવ્યું હતું કે અમે ફક્ત એ જાણવા માગીએ છીએ કે કેન્દ્ર સરકારે જાસુસી મુદ્દે પેગાસસ સોફટવેરનો ઉપયોગ કર્યો છે કે નહીં પરંતુ કેન્દ્ર સરકારે કોઇ હકારાત્મક કે નકારાત્મક જવાબ આપ્યો નથી. તેથી અમારી પાસે નિષ્ણાંતોની કમિટી મારફત તપાસ નિમવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. સુપ્રિમ કોર્ટની આ કમિટી ટેકનિકલ સહિતના મુદ્દે તપાસ કરશે. જેના અધ્યક્ષસ્થાને પૂર્વ ન્યાયમૂર્તિ આર.વી. રવિન્દ્રન રહેશે અને અન્ય સભ્યોમાં આલોક જોશી તથા સંદીપ ઓબેરોયની નિયુક્તિ કરવામાં આવી છે.
આમ પેગાસસ મુદ્દે હવે કેન્દ્ર સરકારે જો કોઇ જાસુસી કરી હશે તો તે પ્રકરણ બહાર આવી જશે. ઇઝરાયલની એક આઈટી પેઢીએ તૈયાર કરાયેલા આ સોફટવેર મારફત કોઇપણ વ્યક્તિનો મોબાઈલમાં આ સોફટવેર દાખલ કરીને ફોનને હેક કરી શકાય છે. તેના સંદેશાઓ તથા કોલ સહિતની માહિતી અને સ્ટોરેજ થયેલો ડેટા પણ મેળવી શકાય છે. ભારતમાં કેટલાક પત્રકારો ઉપરાંત બૌધ્ધીકો, રાજનેતાઓ તથા ખુદ કેન્દ્ર સરકારના મંત્રીઓની આ સોફટવેર મારફત જાસુસી થઇ હોવાનું બહાર આવ્યું હતું. જે સંદર્ભમાં ધ હિન્દુ દૈનિકના એડીટર ઇન ચીફ એમ. રામ તથા અન્ય લોકો દ્વારા સુપ્રિમ કોર્ટમાં અરજી કરીને આ અંગે તપાસ માગણી કરી હતી.
આ સાથે સુપ્રીમે એક ટેકનિકલ ટીમ પણ તૈયાર કરવા માટે કહ્યું છે. સુપ્રીમે કહ્યું કે, આ કેસમાં લોકોના મૌલિક અધિકારનો ભંગ કરી ન શકાય. બીજી તરફ કેન્દ્ર સરકારે આ મામલે કોઇ જ એફિડેવિટ જમાં કરવી ના હતી.