દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચે બુરાડી કેસમાં એક જ પરિવારના 11 સભ્યોના મોતનો કેસ બંધ કરી દીધો છે. પોલીસે પોતાના ક્લોઝરી રીપોર્ટમાં કહ્યું છે કે,આ કેસમાં કોઈ ગડબડ થઈ હોય એવા કોઈ પુરાવા મળ્યા નથી. સ્યુસાઈડ પેક્ટનું આ પરિણામ છે. બુરાડી કાંડ દિલ્હી પોલીસ માટે સૌથી મોટો પડકાર સાબિત થયો હતો. કારણ કે, આ એક એવો કેસ રહ્યો છે જેમાં કોઈ પ્રકારનું લોજિક સમજાતું નથી. આને અંધશ્રદ્ધા અને મેલી વિદ્યા સાથે પણ જોડવામાં આવે છે. દિલ્હી પોલીસે આ ઘટનામાં હત્યાનો કેસ નોંધ્યો હતો.
જોકે, દિલ્હી ક્રાઈમ બ્રાંચે એક લાંબી તપાસ બાદ પરિણામ સામે મૂક્યું છે. આ એક સ્યુસાઈડ પેક્ટ કેસ હતો. પોલીસે તા.11 જુનના રોજ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો હતો. હવે પોલીસના ક્લોઝર રિપોર્ટની સુનાવણી નવેમ્બર મહિનામાં થશે. તા.1 જુલાઈ 2018ના રોજ દિલ્હીના એક મકાનમાં એક સાથે 11 લોકોએ ફાંસી ખાઈ આત્મહત્યા કરી હતી. પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો હતો કે, તમામના મોત ફાંસીના કારણે થયા છે.10 સભ્યોએ ફાંસીનું પગલું ભર્યું હતું. જ્યારે નારાયણ દેવીનું બોડી જમીન પર પડ્યું હતું.10 સભ્યોના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી પણ ગરદન તૂટેલી છે. આંખો પર પાટા બાંધ્યા હતા અને હાથપગ પણ બાંધેલા હતા. પોલીસને એક નોટ મળી હતી જે હાથેથી લખેલી હતી. જેમાં એક સંપૂર્ણ પ્રક્રિયા લખેલી હતી. જે અંતર્ગત પરિવારે ફાંસીનું પહલું ભર્યું હતું. ડાયરીના અંતિમ પેજ પર લખ્યું હતું કે, ઘરનો રસ્તો. ડાયરી પરથી એવું જાણવા મળ્યું કે, પરિવાર કોઈ અનુષ્ઠાનમાં માનતો હતો. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે, જે દિવસે આ ઘટના બની એ દિવસે એમના ઘરે કોઈની આવનજાવન ન હતી.