ભગવાન શિવનાં મંદિરને શિવાલય અથવા શિવ મંદિર કહેવામાં આવે છે. મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે પૂજા થાય છે પરંતુ અજન્મા એવા ભગવાન શિવનું સ્થાપન લિંગ સ્વરૂપે થાય છે. મહાદેવનાં શણગાર તથા પૂજાવિધિમાં પણ જંગલની કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ જોવા મળે છે.
જેમાં વનનાં ફૂલો ધતુરો, બીલીપત્ર, રુદ્રાક્ષ શણગાર તરીકે, શરીર ઉપર ભસ્મનું લેપન, વાહનમાં પોઠિયો, વગાડવામાં ડમરું, શરીરે જટાજૂટ સર્પોની માળા અને પોશાકમાં હાથી કે વાઘનું ચામડું હોય છે. પૂજાવિધિમાં પાણીનો લોટો અને થોડા બીલીપત્રનાં પાન. શિવને આમ તો મંદિરની પણ જરૂર નથી, પથ્થરનાં ઓટલે, ઝાડની નીચે, ડુંગરની ટોચે પણ આ મહાદેવજીની સ્થાપના થાય છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
શિવાલયની રચના બે ભાગમાં હોય છે જેમાં આગળનો ભાગ મંદિર અને અંદરનો ભાગ ગર્ભગૃહ ગર્ભાગાર-ગભારો કહેવાય છે. જેમાં મનુષ્યના જન્મથી અંત સુધીના સંસ્કાર તેમાં પ્રગટ થાય છે. શિવાલયમાં આગળનાં ભાગમાં કાલ ભૈરવનું સ્થાપન કરવામાં આવે છે. જે યમનું પ્રતીક માનવામાં આવે છે.
‘જે જોયું તે જાય’ એ ચરિતાર્થ કરવા માટે શરૂઆતમાં જ કાલ ભૈરવની મૂર્તિ હોય છે. તે મૃત્યુનાં પ્રતીક રૂપે છે. શિવાલયમાં પ્રથમ ભાગ એવા મંદિરમાં પ્રવેશતા પોઠિયાનું સ્થાપન થાય છે. જે પરિશ્રમ અને ભારવહનનાં પ્રતીક તરીકે ઓળખાય છે. તેના સ્થાપન દ્વારા એવું સમજાવાય છે કે જીવનમાં પોતાના ફાળે આવેલ કોઈ પણ કામ લાલચ કે લાલસા વગર કરવું જોઈએ.