મોરબી: તા. 11 મે 2026, સોમવારના રોજ શનાળા સ્થિત પટેલ સમાજવાડી ખાતે રાત્રે 8:00 થી 11:30 વાગ્યા સુધી પ્રખ્યાત વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના આરોગ્યપ્રેમી નાગરિકોને આ કથાનો લાભ લેવા આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સાથે જ સૌને પોતાના ગામ અને મિત્રવર્તુળના ગ્રુપોમાં આ માહિતી વધુમાં વધુ વહેંચવા અપીલ કરવામાં આવી છે.
કાર્યક્રમ સ્થળે આશરે 12 જેટલા સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે, જેમાં હાથેથી બનાવેલા માટીના વાસણો, ઓર્ગેનિક કાળા-સફેદ તલનું તેલ, કોપરેલ અને મગફળીનું ઘાણી તેલ, આયુર્વેદિક ચૂર્ણ, હરડે-બહેડા-આમળા, ત્રિફળા, સંચળ પાવડર, સિંધાલૂણ, હર્બલ સાબુ, ફૂલ અને છોડના રોપા, ઓર્ગેનિક શાકભાજી-ફળો, દેશી ગીર ગાયનું ઘી અને દૂધ સહિત વિવિધ પ્રાકૃતિક ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવશે. આયોજકોએ પ્રકૃતિપ્રેમી લોકોને આવા ઉત્પાદનો ખરીદી સ્ટોલધારકોને પ્રોત્સાહિત કરવા અપીલ કરી છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય તે માટે સૌને કપડાની થેલી સાથે લાવવા વિનંતી કરવામાં આવી છે.
કથા દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે મોબાઇલ ફોન સાયલન્ટ અથવા સ્વીચ ઓફ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે જ પાણી માટે વોટરબેગ સાથે લાવવાની પણ સલાહ આપવામાં આવી છે. કાર્યક્રમના અંતે ઓર્ગેનિક વરિયાળી અને ખાંડથી બનેલું સરબત પીરસવામાં આવશે. ઉપરાંત ગળો કટીંગ, નગોડ કટીંગ, બિલ્વફળ અને ગરમાળાની શીંગનું મફત વિતરણ કરવામાં આવશે. વૈદ્ય કોરડિયાભાઈ દ્વારા આંખ માટેના મફત ટીપાં (નેત્ર બિંદુ) પણ આપવામાં આવશે.
આયોજક પ્રાણજીવન કાલરિયાએ સૌને આ આયુર્વેદ કથામાં હાજરી આપી સ્વસ્થ અને નિરોગી જીવન તરફ આગળ વધવા આમંત્રણ આપ્યું છે.

