ભરૂચના ધારાસભ્ય છોટુ વસાવા એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોંઘવારી મુદ્દે પત્ર લખ્યો છે. જેમાં છોટુ વસાવા એ કહ્યું છે કે, મોંઘવારીમાં રાહત મળે એવી કોઈ યોજના રાજ્યની પ્રજા માટે જાહેર કરવી જોઈએ. આ મામલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જાણ કરવામાં આવે. તેમણે એક એવી અપીલ કરી છે કે, જેમ કોરોનાની વેક્સીન લાવ્યા એમ યોજનારૂપી મોંઘવારી વેક્સીનનું સંશોધન કરો.
રાજ્યભરમાં છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે. ગમે એવી સ્થિતિમાં કાયમી ધોરણે સમસ્યાનો નિવેડો સરકાર ઈચ્છે તો લાવી શકે છે. મારી અપીલ છે કે, મોંઘવારીને કાબૂમાં લાવવા માટે કોઈ યોજનાથી રાહત આપવામાં આવે. લોકોના જીવનમાં સુખાકારીની વેક્સીન આપવામાં આવે. કોરોનાથી બચી ગયેલા લોકોને મોંઘવારીથી બચાવો
વડાપ્રધાન મોદીને લેખિતમાં અથવા ટેલિફોનથી આ બાબતે ખાસ જાણ કરવામાં આવે. જોકે, છેલ્લા ત્રણ મહિનાથી પેટ્રોલ-ડીઝલ અને ગેસમાં વધી રહેલા ભાવને કારણે નોકરિયાત અને મધ્યમવર્ગ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ધારાસભ્ય છોટું વસાવાએ કહ્યું હતું કે, દેશની બે મોટી અગ્રણી કંપનીઓ તરફથી કોરોનાને નાથવા માટે કોવેક્સિન તથા કોવિશિલ્ડ તૈયાર કરવામાં આવી હતી. ગુજરાત સરકારનું વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યમાં મોંઘવારી સાતમા આસમાને છે ત્યારે મારી અપીલ છે કે, રાહત રૂપી યોજના જાહેર કરો.
આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના અંણખી ગામે 7 આદિવાસી પરિવારો ગણેશ સ્થાપના કરીને પૂજન કરી રહ્યા હતા. એ સમયે ગામના સરપંચ તથા અન્ય લોકોએ એકઠા થઈને એમના પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઉપરાંત જાતિ સંબંધીત શબ્દો બોલીને ગાળાગાળી કરી હતી. અસ્પૃશ્યતા આજના સમયે પણ પ્રવર્તી રહી છે. આ બાબતે સરકાર તરફથી શું પગલા ભરવા જોઈએ એ સ્પષ્ટ થવું જોઈએ. મોંઘવારી અને આ બાબતને ધ્યાને લઈને રાજ્યના હિતમાં પગલાં લેવા ખાસ અપીલ કરી છે.