દેશમાં તેજ ગતિએ વધીએ રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવની માઠી અસર આવનારા દિવસોમાં ભોગવવી પડશે એવા એંઘાણ છે. પેટ્રોલ ડીઝલના ભાવની સીધી અસર ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં થઈ છે. ડીઝલના ભાવ રૂ.100 સુધી પહોંચી જતા આવનારા દિવસોમાં બીજા રાજ્યમાંથી આવતી વસ્તુઓ મોંઘી થવાની શક્યતા છે. રાજકોટ ટ્રાંસપોર્ટ એસો. તરફથી ફરી એક વખત ટ્રાન્સપોર્ટ ભાવમાં 10 ટકાનો સીધો વધારો કરવા માટેનો નિર્ણય લેવાયો છે. જેની અમલવારી આગામી સોમવારથી થવાની છે.
થોડા સમય પહેલા જ ટ્રાન્સપોર્ટ તરફથી 20 ટકાનો ભાવ વધારો કરાયો હતો. આ ભાડામાં ભાવ વધારાને કારણે ખાદ્ય પદાર્થો,ફ્રુટ તથા શાકભાજી મોંઘા બનશે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલ સસ્તુ હતુ.ત્યારે સરકારે ડ્યૂટીમાં વધારો કર્યો. પણ પેટ્રોલ અને ડીઝલ રૂ.100 સુધી પહોંચી જતા દરેક વર્ગને માઠી અસર પહોંચી છે. રાજકોટ શહેરના 700થી વધારે ટ્રાન્સપોર્ટસેભાડામાં 10 ટકાનો વધારો કરવા માટે નિર્ણય કર્યો છે. 400 ટ્રાન્સપોર્ટ ગુજરાતના બીજા જિલ્લાઓમાં તથા દેશના અન્ય રાજ્યમાં દરરોજ 1200થી 1500 ટ્રકનું ઑપરેશન કરે છે. એટલે દૈનિક 15000 ટનના કોઈ સામાનની હેરફેર કરે છે. બીજી તરફ ઉદ્યોગો માટે કાચો માલ પણ ટ્રાન્સપોર્ટ મારફતે આવે છે. કોરોના કાળ વખતે રૂ.64 લેખે મળતું ડીઝલ રૂ.80ને ક્રોસ થયું. એ સમયે પણ ભાવ વધારો કરવા માટે નિર્ણય લેવાયો હતો. તા.25 સપ્ટેમ્બરે રૂ.94માં મળતા ડીઝલના સીધા રૂ.100 થતા ટ્રાન્સપોર્ટ એસો.ને 10 ટકા ભાડા વધારાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને ખાદ્ય પદાર્થનો ભાવ વધે એવી પૂરી શક્યતાઓ છે.