જમ્મુ કાશ્મીરના રાજોરી અને પૂંચ જિલ્લામાં આતંકીઓ અને સૈન્ય વચ્ચે જોરદાર ફાયરિંગ થયું હતું. જેમાં પાંચ જવાન શહીદ થયા હતા. આ ઘટનાના બીજા દિવસે સૈન્ય આતંકીઓ પર ત્રાટક્યું હતું અને પાંચ આતંકીઓને ફૂકી મારવામાં આવ્યા છે. આ બે એન્કાઉન્ટર શોપિયાં જિલ્લામાં થયા છે. જે પાંચ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે તેમાં એક બિનકાશ્મીરી ફેરિયાની હત્યામાં સામેલ હતો. જ્યારે અન્ય એક આતંકી પણ ટાર્ગેટ કિલિંગમાં સામેલ હતો. એટલે કે સૈન્યએ આ મહિનામાં બિનમુસ્લિમોની હત્યા કરનારા બે આતંકીઓને આ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં સફળતા મેળવી છે. આમ સૈન્ય એ પોતાના સાથી જવાનનો બદલી લીધો છે.
કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર ચોક્કસ બાતમી મળી હતી કે શોપિયાંના બે ગામોમાં આતંકીઓ છુપાયા છે. જેથી આ ગામોમાં બે જુદા જુદા આતંકવાદ વિરોધી ઓપરેશન સૈન્યએ શરૃ કર્યા હતા. પરીણામે પાંચ આતંકીઓ આ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે. માર્યા ગયેલા આતંકીઓમાં સામેલ મુખ્તાર શાહનો પણ સમાવેશ થાય છે કે જેણે બિનકાશ્મીરી બિહારના વતની વિરેન્દ્ર પાસવાનની શ્રીનગરના લાલ બાઝાર વિસ્તારમાં હત્યા કરી હતી. પહેલાં તો આતંકીઓને સરેન્ડર કરવાની પુરી તક આપવામાં આવી હતી પણ આતંકી આકાઓએ સૈન્ય પર ફાયરિંગ કર્યું. જે બાદ તેમને ઠાર મારવામાં આવ્યા હતા. આ આતંકીઓએ અગાઉ સ્થાનિક ટેક્સિ સ્ટેન્ડના પ્રમુખ મોહમ્મદ શાફી લોનની પણ હત્યા કરી હતી. આ ઉપરાંત અનેક નાના મોટા હુમલાઓમાં પણ તેઓ સામેલ હતા.
બીજી તરફ દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે અને આતંકીઓ પણ કોઇ મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીમાં હોવાના ઇનપુટ મળ્યા છે. આતંકની દિવાળી શરૂ થાય એ પહેલા જ ખાતમો કરી દેવાયો.