ઉત્તર ગુજરાતના લોકો માટે નવરાત્રી ટાણે જ માઠા વાવડ સામે આવ્યા છે. નવરાત્રીના પહેલા દિવસે જ ઉત્તર ગુજરાત વીજ કંપનીએ વીજ કાપનું એલાન કરી દીધું છે. બુધવારથી ઉત્તર ગુજરાત વીજ કંપનીનો પાવરકાપ શરૂ થઈ ગયો છે. પાવરકાપ દરરોજ બપોરના સમયે રહેશે. કોલસાની મોટી અછત ઊભી થવાને કારણે આ પાવરકાપ લાગુ કરી દેવામાં આવ્યો છે. નોરતા શરૂ થાય એના એક દિવસ પહેલા જ આ અંગે મોટું એલાન કરી દેવામાં આવ્યું છે. આ જાહેરાત થતા લોકોમાં મોટો રોષ ફાટી નીકળ્યો છે.
દરરોજ બપોર પછી ઉત્તર ગુજરાત પંથકમાં આ પાવરકાપ લાગુ થશે. ગ્રામ્ય વિસ્તારમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીએ સરપંચ અને નજીકના પોલીસ મથકના અધિકારીઓને આ અંગે મોટી અને મહત્ત્વની જાણકારી આપી છે. પાવરકાપ તહેવાર ટાણે લાગુ કરી દેવામાં આવતા લોકોમાં નારાજગી છે. ઉત્તર ગુજરાતમાં જ્યાં સુધી કોલસાની અછત પૂરી નહીં થાય ત્યાં સુધી આ પાવરકાપ યથાવત રહેશે. ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિકારી વી.સી. કાપડિયાએ કહ્યું કે, મોટી અછત કોલસાની ઊભી થઈ છે. જેના કારણે પાવરકાપ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મોટી અછતને કારણે જ્યોતિગ્રામ ફીડરને પણ કાપવાની જરૂરિયાત ઊભી થઈ છે. પાવરકાપ બપોર દરમિયાન લાગુ કરવા માટેનો નિર્ણય કર્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં જરૂરિયાત અનુસાર આ કાપ લાગુ કરી દેવામાં આવશે. આખરે કેટલા ગામડાંઓમાં આ કાપ લાગુ રહેશે. અધિકારીએ એવી કોઈ સ્પષ્ટતા કરી નથી. કટોકટીની સ્થિતિ છે એટલે સમગ્ર દિવસ દરમિયાન વીજળી આપી શકાય એમ નથી. એવી ચોખવટ વીજ વિભાગના અધિકારીએ કરી છે.
અધિકારીએ કહ્યું કે, જો આપણે આવું ન કરીએ તો બધુ બંધ થઈ જાય એમ છે. જ્યાં સુધી સ્થિરતા નહીં આવે ત્યાં સુધી પાવરકાપ રહેશે. આ મામલે અધિકારીએ કોઈ દિવસની સમયમર્યાદા પણ જાહેર કરી નથી. ગુરૂવાર તા.7 ઑક્ટોબરથી નોરતા શરૂ થઈ રહ્યા છે. નવરાત્રીને ગુજરાતની ઓળખસમો તહેવાર માનવામાં આવે છે.આ વખતે શેરી ગરબાની મંજૂરી આપવામાં આવી છે. પણ આ ગરબામાં પાવરકાપ કોઈ મોટું વિધ્ન ન બને તો સારૂ. બીજી તરફ વરસાદનું પણ જોખમ તોળાઈ રહ્યું છે.