વારાણસી, સોમવાર
આજે વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ ધામના નવા પરિસરનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે થઈ હહ્યું છે. આના માટે તેઓ કાશી પહોંચી ગયા છે. આ તેમની લોકસભા બેઠકનો મતવિસ્તાર પણ છે. મોદી પોણા અગિયાર વાગ્યે અહીં પહોંચ્યા હતા. 11.25 વાગ્યે તેમણે કાળ ભૈરવ મંદિરમાં પૂજા કરી હતી. તેના પછી તેઓ પગપાળા ખિડકિયા ઘાટ સુધી ગયા. અહીંથી મોદી ક્રૂઝમાં બેસીને લલિતા ઘાટ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા નદીમાં ઉતરીને સૂર્ય ઉપાસના કરી હતી. હવે તેઓ બાબા વિશ્વનાથની પૂજા-અર્ચના કરશે. જેમાં વડાપ્રધાન મોદી ગંગાજળ દ્વારા બાબા વિશ્વનાથનો અભિષેક પણ કરશે.
કાશીમાં મોદીના ડ્રીમ પ્રોજેક્ટ વિશ્વનાથધામનું 900 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયું છે. તેમાં શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓનું વિશેષ ધ્યાન રખાયું છે. પ્રાચીન મંદિરને મૂળ સ્વરૂપમાં જાળવી રાખતા 5 લાખ 27 હજાર વર્ગ ફૂટથી વધુ વિસ્તારમાં તેને વિકસિત કરાયું છે. વડાપ્રધાન મોદી શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં બપોરે 1 વાગ્યા સુધી પૂજા કરશે અને લગભગ બપોરે 1.20 કલાકે કાશી વિશ્વનાથ ધામના નવા કોરિડોરનું લોકાર્પણ કરશે. તેના પછી દેશભરમાંથી આવેલા 2500 સંતો,મહંતો, ધર્માંચાર્યો, આધ્યાત્મિક ગુરુઓ અને વિશિષ્ટ લોકોને પણ સંબોધિત કરશે. લગભગ 6 વાગ્યે વડાપ્રધાન મોદી ગંગા આરતીમાં પણ સામેલ થશે.
વડાપ્રધાન મોદીનું સ્વાગત રુદ્રાક્ષ જડિત જરદોસી અંગવસ્ત્રમ, ત્રિશૂળ અને કમળમાં વિરાજીત શિવલિંગ આપીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરશે. 3 ફૂટ 6 ઈંચની લંબાઈ ધરાવતા ત્રિશૂળમાં ચાર નાગોની આકૃતિ પણ છે. જરી-જરદોસ અને રેશનનોઉપયોગ કરીને પંચમુખી રુદ્રાક્ષના 24 મણકા લગાવીને અંગવસ્ત્રમ તૈયાર કરાયું છે. મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન મોદી વારાણસીની બે દિવસની મુલાકાતે છે. તેઓ બનારસ રેલવે એન્જિન કારખાનાના ગેસ્ટહાઉસમાં રોકાશે. બપોરે શ્રીકાશી વિશ્વનાથ ધામના લોકાર્પણ બાદ બીએલડબ્લ્યૂ ગેસ્ટ હાઉસમાં વડાપ્રધાન મોદીનો 2 કલાકનો સમય રિઝર્વ રાખવામાં આવ્યો છે. સાંજે તેઓ સંત રવિદાસ ઘાટથી ફરી એકવાર ગંગામાં નૌકાયન કરશે અને દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતી નિહાળશે. આ દરમિયાન વડાપ્રધાન કાશી આવેલા દેશભરના મુખ્યમંત્રીઓ અને તેમના પરિવારજનોની સાથે મુલાકાત કરશે. તેના પછી પાછા સંત રવિદાસ ઘાટ આવશે અને રાત્રે 9.15 કલાકે ગેસ્ટહાઉસમાં વિશ્રામ માટે જશે.

