નવી દિલ્હી, શુક્રવાર
જ્યાં સુધી સૂરજ ચાંદ રહેગા, બિપિનજી કા નામ રહેગા. અમરતાના આ સૂત્રોચ્ચાર અને 17 તોપોની સલામીની ગૂંજ વચ્ચે દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત પંચમહાભૂતમાં વિલિન થઈ ગયા છે. બપોરે બે વાગ્યે દિલ્હીના 3, કામરાજ માર્ગ ખાતેના તેમના નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રામાં હજારો લોકો સામેલ થયા હતા. આંખો ભીની હતી, પરંતુ વીરતાનું ગર્વ પણ હતું અને તેમના સમ્માનમાં પુષ્પવર્ષા થઈ રહી હતી. મા ભારતની વીર સપૂત માટે સૂત્રો લાગી રહ્યા હતા. સીડીએસ રાવત અને તેમના પત્નીને તેમની પુત્રીઓ કૃતિકા અને તારિણીએ રુઢિઓ તોડીને મુખાગ્નિ આપી હતી. જનરલ બિપિન રાવત અને તેમના પત્નીના મૃતદેહોની એકસાથે જ ચિતા પર મૂકીને અગ્નિદાહ અપાયો હતો.
જનરલ બિપિન રાવતના નાના ભાઈનો પરિવાર, મધુલિકા રાવતના પરિવારના લોકો પણ હાજર હતા. મોટી સંખ્યામાં સૈનિકોના પરિવાર, રાજકીય હસ્તીઓ, ઘણાં દેશોના સેનાધ્યક્ષ અને રાજદ્વારીઓ પણ હાજર હતા. જનરલ બિપિન રાવત ક્યાં કદના સૈન્ય અધિકારી હતા, તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે ઈઝરાયલ, અમેરિકા, ફ્રાંસ અને રશિયા સહીતના ઘણાં દેશોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, તેમનું નિધન પોતાના એક ઘનિષ્ઠ મિત્ર ગુમાવવા જેવું ગણાવાયું હતું.
બુધવારે બપોરે 12.08 કલાકે તમિલનાડુના નીલગિરિ જિલ્લાના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 સૈન્યકર્મીઓના નિધન થયા હતા. વિમાનમાં કુલ 14 લોકો સવાર હતા. તેમાથી વિંગ કમાન્ડર વરુણસિંહ જ જીવિત છે અને તેમની સ્થિતિ ચિંતાજનક બનેલી છે. ગુરુવારે સાંજે જનરલ રાવત અને અન્ય તમામ મૃતકોના પાર્થિવ દેહ દિલ્હી લાવવામાં આવ્યા હતા. જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકાના મૃતદેહોને 3 કામરાજ માર્ગ ખાતેના તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યા હતા. આજે સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી રાજનેતાઓ, સૈન્યાધિકારીઓ, સામાન્ય લોકોએ તેમને તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી હતી.

