ગાંધીનગર, શુક્રવાર
જી.પી.એસ.સી મારફત સીધી ભરતીથી નિમણૂક પામેલા વિવિધ 5 જેટલા અગત્યના વિષયોના કુલ 136 જેટલા મદદનીશ પ્રાધ્યાપકો (વર્ગ -2)ને સરકારી કોલેજોમાં ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા નિમણુક હુકમો આપવામાં આવ્યા છે. અંગ્રેજી વિષયના 37, અર્થશાસ્ત્ર વિષયના 17, ઇતિહાસ વિષયના 27, સમાજશાસ્ત્ર વિષયના 24 અને રસાયણશાસ્ત્ર વિષયના 31 જેટલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારની દૂરંદેશીતાને પરિણામે સરકારી આર્ટ્સ, કોમર્સ અને વિજ્ઞાન કોલેજોમાં મોટા પ્રમાણમાં નિયમિત રીતે ભરતીઓ થવાને કારણે છેવાડાના વિસ્તાર વિદ્યાર્થીઓથી લઈ સમગ્ર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ પુરૂ પાડવા સક્ષમ લાયકાત ધરાવતા પ્રાધ્યાપકો મળી રહ્યા છે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.
ડિસેમ્બરની શરૂઆતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યની વિકાસયાત્રાને વધુ વેગવાન બનાવવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી તેમણે કહ્યું કે રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે અને બાળકોના શિક્ષણ કાર્યને કોઈ અસર ન પહોંચે તે માટે આગામી સમયમાં પ્રવાસી શિક્ષકની ભરતી કરવામાં આવશે. શિક્ષણ મંત્રી વાઘાણીએ જણાવ્યું છે કે શિક્ષણ કાર્યને વેગવાન બનાવવા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે જે હેઠળ મહત્તમ રૂપિયા 27,000/-ની મર્યાદામાં આ શિક્ષકોને વેતન અપાશે અને આ શિક્ષકો દરરોજ 7 તાસ લેશે.

