નવી દિલ્હી, શુક્રવાર
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું છે કે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ સંકટને કાબૂમાં લેવા માટે એક સક્રિય એક્શન પ્લાન અને પ્રસ્તાવિત ટૂંકા અને મધ્યમ ગાળાની યોજનાઓ છે. કેન્દ્રએ કહ્યું કે નિયમોના ઉલ્લંઘન બદલ ક્લોઝર નોટિસ આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં કેન્દ્રએ જણાવ્યું હતું કે ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા નિરીક્ષણ કર્યા પછી, પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો, ડીઝલ જનરેટર સેટ, બાંધકામ અથવા તોડફોડની જગ્યાઓને બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા રચવામાં આવેલી ફ્લાઈંગ સ્ક્વોડ્સે નેશનલ કેપિટલ રિજન (NCR) ની મુલાકાત લીધી હતી. ફ્લાઈંગ સ્ક્વોડ્સે 1,534 સાઇટ્સનું નિરીક્ષણ કર્યું હતું અને એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સ દ્વારા કુલ 228 સાઇટ્સને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. કેન્દ્રએ કોર્ટને જાણ કરી હતી કે ઔદ્યોગિક ક્ષેત્રમાં વધુ ઉલ્લંઘનો નોંધાયા છે, જે વાયુ પ્રદૂષણનું મુખ્ય પરિબળ છે, ખાસ કરીને શિયાળાના મહિનાઓમાં.
કેન્દ્રએ કહ્યું કે વાયુ પ્રદૂષણના અસરકારક નિયંત્રણની દિશામાં પંચ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉદ્યોગોને સ્વચ્છ ઈંધણમાં રૂપાંતરિત કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે અને તમામ રાજ્યોને સૂચનાઓ જારી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં કુલ 102 ઔદ્યોગિક એકમો સમયના ઉલ્લંઘન માટે બંધ કરવામાં આવ્યા હતા અને રાજ્યમાં 90 એકમોને સપ્તાહના અંતે કામ કરવા બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો, એમ એફિડેવિટમાં જણાવાયું હતું. સેન્ટ્રલ એર ક્વોલિટી કમિશને સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે એનસીઆરને પાવર સપ્લાય કરવા માટે બંધ કરાયેલા થર્મલ પાવર પ્લાન્ટ 15 ડિસેમ્બરથી ફરી કામ કરી શકશે.

