મહાનગર અમદાવાદ સહિતના શહેરમાં લારી ગલ્લાઓ ઉઠાવી લેવાના મુદ્દે આ વિષયના પડઘા હાઈકોર્ટ સુધી પડ્યા છે. ગલ્લા ધારકોનો ધંધો બંધ કરાવવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીની સુનાવણી કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે સવાલ પૂછ્યો હતો કે, વ્યક્તિ પોતાના ઘરેથી બહાર નીકળે ત્યારે શું ખાશે એ હવે કોર્પોરેશન નક્કી કરશે? કમિશ્નરને આવો અધિકાર કોણે આપ્યો?
આ વિષયની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે એક એવું અવલોકન કર્યું હતું કે, વ્યક્તિના ખાવા-પીવાની પસંદગી સત્તાપક્ષના વિચારોને આધીન બનાવી શકાય નહીં. એની સાથે જ તંત્ર પોતાની મરજી અનુસાર કોઈના વર્તનથી લોકોને હેરાન કરે તે કોઈ કાળે ચલાવી નહી લેવાય. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હાઈકોર્ટે નોટીસ ઇસ્યુ કરી તાત્કાલિક કોર્પોરેશનના વકીલને હાજર રહેવા માટે આદેશ આપ્યો છે. અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટમાં અરજદારોએ કરેલી અરજીમાં મહાનગરોમાં ખોટી રીતે લારી ગલ્લા વાળાઓને પરેશાન કરવામાં આવ્યા છે. એકટ 2014 પ્રમાણે સ્ટ્રીટ વેન્ડર કોઈ કાર્યવાહી ન કરવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ કરાયો છે. કોઈપણ પ્રકારની જાણ કે નોટિસ આપ્યા વગર જ અમદાવાદ સહિત અલગ અલગ શહેરમાં લારી-ગલ્લાવાળાઓ સામે ગમે ત્યારે પગલાં ભરવામાં આવે છે.

જે યોગ્ય નથી. સ્ટ્રીટ વેન્ડર્સ એકટ 2014ની કલમ-3 પ્રમાણે તમામ લારી-ગલ્લા પાથરણા ધારકોનો સર્વે થવો જરૂરી છે. જે બાદ જ ધારા ધોરણ પ્રમાણે 30 દિવસની નોટિસ આપ્યા બાદ જ તેમને દૂર કરી શકાય છે. પણ મહાનગરમાં આવું ભાગ્યે જ જોવા મળે છે.
આ ઉપરાંત કોર્પોરેશન BPMC એકટ અનુસાર લારી-ગલ્લા પાથરણા વાળા સામે કાર્યવાહી કરવાનો દાવો તો કરે પણ 2014 સ્ટ્રીટ વેન્ડર એકટની કલમો, આ વિષયને લાગતા બધા કાયદામાં સર્વોચ્ચ છે. સાથે જ કોર્પોરેશન મારફતે લારી ગલ્લા ધારકોનો સામાન જપ્ત કરવાનો કોઈ અધિકારી નથી. જો દિવસ દરમિયાન જાહેરમાં કોઈ પશુ અથવા પક્ષીને કાપીને મારી નાખવામાં આવે, તો અન્ય લોકો માટે વાંધાજનક હોઈ શકે છે. પરંતુ જાહેરમાં તેનું વેચાણ કે તેને આરોગવામાં વાંધો ન હોઈ શકે, તે વ્યક્તિ પસંદગીની બાબત છે. અરજદારના વકીલની એ પણ દલીલ છે કે કેટલાક શાકાહારી લોકો પશુમાંથી આવતા દૂધ, ચીઝ, મધ ખાવાને પણ યોગ્ય નથી માનતા, તો શું તે બંધ કરી દેવામાં આવશે?

