નવી દિલ્હી, સોમવાર
બેંકોના ખાનગીકરણના વિરોધમાં પબ્લિક સેક્ટરની બેંકના કર્મચારી આ મહિનામાં બે દિવસની હડતાળ કરવાના છે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં બેંકોના ખાનગીકરણ સંદર્ભે રજૂ થનારા બિલનો વિરોધ કરવા માટે બેંકકર્મી આ હડતાળ કરી રહ્યા છે. યૂનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સે સંસદના શિયાળુ સત્રમાં રજૂ થઈ રહેલા બેન્કિંગ લૉ (અમેન્ડમેન્ટ) બિલ, 2021ની વિરુદ્ધ 16 અને 17 ડિસેમ્બરના રોજ હડતાળની ઘોષણા કરી છે.
એક ન્યૂઝ એજન્સી પ્રમાણે, ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કંફડરેશનના મહાસચિવ સંજય દાસે કહ્યુ છે કે પબ્લિક સેક્ટરની બેંકોના ખાનગીકરણથી ઈકોનોમીની પ્રાથમિકતાવાળા ક્ષેત્રોને નુકસાન થશે અને તેનાથી સ્વયં સહાયતા સમૂહો, ગ્રામીણ અર્થવ્યવસ્થાને લોનના પ્રવાહ પર પણ અસર પડશે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોયઝ એસોસિએશનના મહાસચિવ સી. એચ. વેંકટચલમે કહ્યુ છે કે ગત 25 વર્ષથી યુએફબીયુના બેનર તળે અમે બેન્કિંગ ક્ષેત્રમાં આવા સુધારાઓનો વિરોધ કરી રહ્યા છીએ, જે જાહેરક્ષેત્રની બેંકોને નુકસાન પહોંચાડી રહ્યા છે.
આના સંદર્ભે કિસાન નેતા રાકેશ ટિકૈતે પણ ટ્વિટ કર્યું છે. ટિકૈતે કહ્યુ છે કે તેઓ તો પહેલેથી જ લોકોને સચેત કરતા રહ્યા છે કે આગામી નિશાન બેંક હોવાની શક્યતા છે. યુએફબીયુના સદસ્યોમાં ઓળ ઈન્ડિયા બેંક એમ્પ્લોયઝ એસોસિએશન, ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કંફડરેશન, નેશનલ કંફડરેશન ઓફ બેંક એમ્પ્લોયઝ, ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ ઓસોસિએશન અને બેંક એમ્પ્લોયઝ કંફડરેશન ઓફ ઈન્ડિયા સામેલ છે.

