નવી દિલ્હી, સોમવાર
કોરોના વાઈરસનો નવો વેરિએટ ઓમિક્રોન ભારતમાં દાખલ થઈ ચુક્યો છે. ઓમિક્રોનનો ટ્રાન્સમિશન રેટ ભારતમાં બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિએન્ટથી ત્રણ ગણો વધારે છે. એટલે કે આ વાઈરસ ત્રણ ગણી વધુ ઝડપથી લોકોને ચેપગ્રસ્ત કરી શકે છે. વાઈરસ ક્યારે પીક પર રહેશે અને તેનો ખતરો ક્યાં સુધી ટળી શકે છે? તેના સંદર્ભે મેદાંતાના ચેરમેન ડોક્ટર નરેશ ત્રેહાને વિસ્તૃત જાણકારી આપી છે.
ડૉક્ટર ત્રેહાને કહ્યુ છે કે ભારતમાં આવેલી ગત બે લહેરોથી આપણે બોધપાઠ લેવો જોઈએ. પહેલી અને બીજી લહેરની વચ્ચે લગભગ 32 સપ્તાહોનું અંતર હતું. પહેલી લહેર બાદ લોકો એ માની ચુક્યા હતા કે વાઈરસ હવે સમાપ્ત થઈ ગયો છે. પરંતુ બીજી લહેરમાં આ વધારે ભયાનક બનીને પાછો ફર્યો હતો. માટે લોકોએ સમજવું પડશે કે જ્યાં સુધી વાઈરસનો ખતરો સંપૂર્ણપણે ટળે નહીં, ત્યાં સુધી સાવધાન રહો.
ડૉ. ત્રેહને કહ્યુ છે કે એવું અનુમાન લગાવાય રહ્યું છે કે આ વાઈરસ સપ્ટેમ્બર-ઓક્ટોબરથી જ ફેલાય રહ્યો છે. પરંતુ તેના કોઈ પુરાવા નથી. ડો. ત્રેહને કહ્યુ છે કે જો આપણે સૂત્રા મોડલથી જોઈએ, જેને પહેલી અને બીજી લહેર દરમિયાન પણ એપ્લાય કરવામાં આવ્યું હતું. તો નવો વેરિએન્ટ જાન્યુઆરીના પહેલા અથવા બીજા સપ્તાહમાં પીક પર હશે. એવી પણ સંભાવના છે કે આ લહેર ફેબ્રુઆરી સુધીમાં સમાપ્ત થઈ જશે. જો કે તે કેટલી ઉચ્ચસ્તરે જશે તે આપણા વ્યવહાર પર નિર્ભર કરે છે.
ડૉ. ત્રેહને કહ્યુ છે કે ઓમિક્રોન વેરિએન્ટની દસ્તકને ત્રીજી લહેર ઘોષિત કરવી હાલ મુશ્કેલ છે. તેના માટે હજી વધુ રાહ જોવી પડશે. હજી સુધી આને લઈને સરકારે પણ સારા પગલા ભર્યા છે. સરકારનો નિર્દેશ છે કે લોકોને તાત્કાલિક ક્વારન્ટાઈનમાં મોકલવામાં આવે. તેમના સ્વેબ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવે. તેમના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેક કરવામાં આવે અને તેમની સારવાર પણ કરવામાં આવે. ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રીટની આ યોજના સરકારે ઝડપથી લાગુ કરી છે. માટે આ ખતરાને જલ્દીથી ટાળી શકાય છે.
ડૉ. ત્રેહને કહ્યુ છે કે ભારતમાં કોરોનાની હાલની સ્થિતિને જોતા વ્યાપક સ્તર પર લોકડાઉન લગાવવાની જરૂરત નથી. પરંતુ લોકોએ બચાવના મૂળભૂત પ્રકારોના પાલનમાં ઢીલાશ કરવી જોઈએ નહીં. તેઓ માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળે. ભીડવાળા સ્થાનો પર જવાથી બચે અને હેન્ડ સેનિટાઈઝેશનનો ખ્યાલ રાખે. કેટલીક બિનજરૂરી ચીજોને બંધ કરી શકાય છે. નાઈટ ક્લબ જેવા સ્થાનોને હાલ બંધ કરવા યોગ્ય રહેશે.

