અમદાવાદમાં ઘરકંકાસના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. વધુ એક સામે આવેલા કેસમાં સાસરિયાઓ પુત્રવધુ પર કરિયાવર માટે ત્રાસ આપતા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ કેસમાં પરીણિતાને કોઈ સંતાન નહીં હોવાથી તેના સાસરિયા તેને વાંઝણી કહીને ટોણા મારતા હતા. આ ઉપરાંત દહેજ માટે વારંવાર સંભળાવતા હતા. સાસરિયાના બીજા સભ્યો તો ઠીક પણ પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવતો હોવાની ગંધ પત્નીને આવી ગઈ હતી. જેને લઈને મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ સિટીના સરદારનગર વિસ્તારમાં રહેતી પરીણિતાનો પતિ રંગીન મિજાજનો હતો. લગ્ન થયા હોવા છતા પરસ્ત્રી સાથે સંબંધો હતો. જેની જાણ પત્નીને થતા એના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. એક રાત્રે ફોન તથા મેસેજ કરતો હતો. ત્યારે પત્નીએ તેને ટોકતાં તે પત્નીને માર મારતો હતો. પત્નીને તેના સાસુ સસરા તું વાંઝણી છે, કરિયાવરમાં કંઈ લાવી નથી. મારા દીકરાને છુટાછેડા આપી દે એવું કહીને મારપીટ કરતા હતા. આ ઉપરાંત ગમે તેમ બોલીને માનસિક ત્રાસ દેતા હતા. આ ત્રાસના કારણે પરીણિતા કંટાળી ગઈ હતી. પછી તે પોતાના પિયરમાં રહેવા આવી હતી. 26 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2015માં અમદાવાદના નોબલનગરમાં રહેતા યુવક સાથે થયાં હતાં. લગ્નના બે વર્ષ સુધી તેને પતિ તથા સાસરિયાઓએ સારી રીતે રાખી હતી. પછી યુવતીને નાની નાની વાતે મહેણાં ટોણાં મારીને હેરાન કરવામાં આવતી હતી.

આ દરમિયાન તેનો પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખવા લાગ્યો હતો. તે અડધી રાત્રે ફોન કરીને વાતો કરતો તથા મેસેજો કરતો હતો. જેથી પત્નીએ પતિને કહ્યું હતું કે, બીજી મહિલા સાથે વાતો કેમ કરો છો. જેથી પતિ ઉશ્કેરાઈ ગયો અને તેની પત્નીને મારઝૂડ કરવા માંડ્યો હતો. તેણે અમદાવાદના સરદાર નગર પોલીસ સ્ટેશનમાં સાસરિયા અને પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

