નવી દિલ્હી,ગુરુવાર
દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાને કારણે ફરીથી શાળાઓ બંધ કરવામાં આવી છે. કેજરીવાલ સરકારનો આ આદેશ શુક્રવારથી અમલમાં આવશે. દિલ્હી-એનસીઆરમાં છેલ્લા એક મહિનાથી પ્રદૂષણના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પણ ઘણી જગ્યાએ પ્રદૂષણનું સ્તર ઘણું ઊંચું હતું.દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં આ સ્તર 600ને પાર કરી ગયું છે.
પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટ સતત સુનાવણી કરી રહી છે.આજે કોર્ટમાં સુનાવણી પણ થઈ હતી, જેમાં શાળાઓ ખોલવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી અને પૂછ્યું કે પ્રદૂષણ વચ્ચે શાળાઓ શા માટે ખોલવામાં આવી? સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે વડીલો ઘરેથી કામ કરી રહ્યા છે, તો બાળકો સવારના ધુમ્મસમાં શાળાએ કેમ જાય છે? સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને શાળાઓ અને ઓફિસો ખોલવા અંગે પોતાનું વલણ રજૂ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટની કડક ઝાટકણી બાદ દિલ્હી સરકારે શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે શાળાઓ બંધ રાખવાની જાણકારી આપી.”હાલના પ્રદૂષણના સ્તરને કારણે, દિલ્હીની તમામ શાળાઓ આવતીકાલથી આગામી આદેશ સુધી બંધ રહેશે. પ્રદૂષણના મામલે આજે પણ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ખૂબ કડક વલણ અપનાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ચેતવણી આપતા કહ્યું કે અમે 24 કલાક આપી રહ્યા છીએ. પ્રદૂષણ પર સરકારોએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ. અન્યથા અમે આદેશ જારી કરીશું. કોર્ટે કહ્યું કે અમે ઔદ્યોગિક પ્રદૂષણ અને પરિવહન પ્રદૂષણ અંગે ચિંતિત છીએ. હવે આ મામલે શુક્રવારે ફરી સુનાવણી થશે. CJI NV રમન્નાએ કહ્યું, તમે કહી રહ્યા છો કે તમે ઘરેથી કામ લાગુ કર્યું, શાળાઓ બંધ કરી દીધી. પણ આ બધું દેખાતું નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું, તમે રોજ એફિડેવિટ રજૂ કરો છો, રિપોર્ટ આપો છો, કમિટીના રિપોર્ટ આપો છો. પરંતુ જમીન પર શું થઈ રહ્યું છે?

