આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા અત્યારથી જ પ્રી-મોન્સુન કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન શહેરમાં રોગચાળો ન ફેલાય અને જનસ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખાનગી (પ્રાઈવેટ) ખુલ્લા પ્લોટોમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે અને ડેન્ગ્યુ, મેલેરિયા જેવા જીવલેણ રોગો ફેલાવવાનો ભય રહે છે. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને મોરબી મહાનગરપાલિકા વિસ્તારના તમામ પ્લોટ ધારકો માટે એક મહત્વપૂર્ણ જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે.મહાનગરપાલિકાની વોટર વર્કસ અને ડ્રેનેજ શાખાના ડેપ્યુટી ઈજનેર દ્વારા તમામ ખાનગી પ્લોટના માલિકોને આદેશ સહ નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ ચોમાસા પહેલા પોતાના પ્લોટની યોગ્ય વ્યવસ્થા કરી લે.
પાલિકા દ્વારા પ્લોટ ધારકો માટે જાહેર કરાયેલી મહત્વની માર્ગદર્શિકા:
સ્વખર્ચે લેવલિંગ કરાવવું: પોતાની માલિકીના ખુલ્લા પ્લોટમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે પ્લોટના માલિકે પોતાની જાતે (સ્વેચ્છાએ) અને પોતાના ખર્ચે ચોમાસા પહેલાં જ પ્લોટનું યોગ્ય લેવલિંગ (પુરાણ) કરાવી લેવાનું રહેશે અથવા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.
નિકાલની સંપૂર્ણ જવાબદારી: ખાનગી પ્લોટમાં એકત્રિત થતા પાણીના નિકાલની તમામ જવાબદારી સંપૂર્ણપણે જે તે પ્લોટ ધારકની પોતાની રહેશે.
કાયદેસરની કાર્યવાહી: જો કોઈપણ ખાનગી પ્લોટમાં પાણી ભરાવાને કારણે મચ્છરોની ઉત્પત્તિ અથવા ગંદકી માલૂમ પડશે, તો સંબંધિત પ્લોટ ધારક સામે પાલિકા દ્વારા દંડાત્મક અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકાએ તમામ નાગરિકો અને પ્લોટ ધારકોને શહેરના સ્વાસ્થ્ય અને સુંદરતા જાળવવા માટે આ કામગીરીમાં સહકાર આપવા અપીલ કરી છે.

