બોટાદ જિલ્લામાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બોટાદના રહેવાસી આરતીબેન યોગેશભાઈ કહોદરીયાએ પોતાના બે સંતાનો સાથે બોટાદથી ધોળા તરફ જઈ રહેલી માલગાડી નીચે પડતું મૂક્યું હતું. આ દુર્ઘટનામાં માતા અને પુત્રીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, મૂળ ગઢડા તાલુકાના ટાટમ ગામનાં વતની અને હાલ બોટાદમાં રહેતાં આરતીબેને આ પગલું કયા કારણોસર ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાને પગલે ઘરકંકાસની ચર્ચાઓ પણ સામે આવી રહી છે, જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
બનાવની જાણ થતાં બોટાદ ટાઉન પોલીસ અને રેલવે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે માતા અને પુત્રીના મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા પુત્રને સારવાર માટે ભાવનગર લઈ જવાયો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી મહિલાએ આ અંતિમ પગલું કયા સંજોગોમાં ભર્યું તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
