મોરબી બાયપાસ NH-27 (ગાળાથી વઘાસીયા રોડ) માટે જૂન ૨૦૨૬માં બહાર પાડવામાં આવેલા જમીન સંપાદનના જાહેરનામા સામે જિલ્લાના ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોની રજૂઆત અને જનપ્રતિનિધિઓની મધ્યસ્થી બાદ વહીવટી તંત્ર દ્વારા હાલ પૂરતી આ કામગીરી અટકાવી દેવામાં આવી છે અને સમગ્ર મામલે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.
વિવાદનું મુખ્ય કારણ
-
૪૩૧ હેક્ટર જમીનનું સંપાદન: જૂન ૨૦૨૬ના જાહેરનામા મુજબ મોરબી, હળવદ અને વાંકાનેર તાલુકાની આશરે ૪૩૧ હેક્ટર જમીન સંપાદિત થનાર છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ જમીન અત્યંત ફળદ્રુપ, પિયત અને ઔદ્યોગિક દ્રષ્ટિએ ખૂબ જ કિંમતી છે.
-
વળતરમાં મોટો તફાવત: જાહેરનામું પ્રસિદ્ધ થતા જ ખેડૂતોએ મોરબી કલેક્ટર સમક્ષ વાંધા અરજી રજૂ કરી વૈકલ્પિક રૂટ શોધવાની માંગ કરી હતી. જોકે, તંત્ર દ્વારા વર્તમાન બજાર કિંમતને બદલે માત્ર જંત્રી મુજબ વીઘા દીઠ રૂ. ૧ લાખથી ૪ લાખ જેટલું નજીવું વળતર ચૂકવવાની વાત કરવામાં આવી હતી.
-
પોલીસ બંદોબસ્ત સાથે કામગીરીનો પ્રયાસ: ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની રજૂઆતોને અવગણીને પોલીસ પ્રોટેક્શન હેઠળ કામગીરી આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેનો ખેડૂતોએ મક્કમતાથી વિરોધ કર્યો હતો.
“એકને ગોળ અને બીજાને ખોળ” ની નીતિ સામે સવાલ
ખેડૂતોએ સરકારની નીતિ સામે સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે, જો નવસારી જિલ્લામાં હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે માત્ર ૭૮ હેક્ટર જમીન સંપાદન કરતી વખતે ખેડૂતોના હિતમાં ખાસ પરિપત્ર બહાર પાડી શકાય, તો મોરબી જિલ્લાની ૪૩૧ હેક્ટર કિંમતી જમીન માટે આવો પરિપત્ર કેમ ન બની શકે? રેલ પ્રોજેક્ટ અન્ય જિલ્લાઓમાંથી પણ પસાર થતો હોવા છતાં માત્ર નવસારી માટે વિશેષ નિર્ણય લેવાયો હતો. તે જ ધોરણે મોરબીના ખેડૂતોને પણ વર્તમાન બજાર કિંમત મુજબ પૂરતું વળતર મળવું જોઈએ.
જનપ્રતિનિધિઓની રજૂઆત અને હાલની સ્થિતિ
ખેડૂતોના પ્રબળ વિરોધ અને ન્યાયી માંગને પગલે પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્દુય ર્લભજીભાઈ દેથરીયા તેમજ પરષોત્તમભાઈ રૂપાલા સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. આ નેતાઓની રજૂઆત અને ખેડૂતોના દબાણને પગલે મોરબી કલેક્ટર દ્વારા આ મામલે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી છે અને હાલ પૂરતી સંપાદનની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. હવે સરકાર દ્વારા મોરબીના ખેડૂતોને બજાર કિંમત મુજબ યોગ્ય ન્યાય મળે છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે.
