HomeGujaratહળવદમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે વૃદ્ધ સાથે રૂ. 24.91 લાખની છેતરપિંડી

હળવદમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે વૃદ્ધ સાથે રૂ. 24.91 લાખની છેતરપિંડી

હળવદ શહેરમાં ઓનલાઈન રોકાણ દ્વારા મોટો નફો કમાવવાની લાલચ આપીને LIC એજન્ટ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. ફેસબુક પરની જાહેરાત અને ટેલિગ્રામના માધ્યમથી વિશ્વાસમાં લઈ ઠગ ટોળકીએ કુલ રૂ. 24,91,758 પડાવી લીધા હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, હળવદના સોનીવાડ વિસ્તારમાં વાઘેશ્વરી માતાના મંદિર પાસે રહેતા અને LIC એજન્ટ તરીકે વ્યવસાય કરતા હર્ષદભાઈ હંસરાજ પાટડીયાએ ફેસબુક પર શેરબજારમાં રોકાણ કરીને કમાણી કરવાની જાહેરાત અને રીલ્સ જોઈ હતી. જાહેરાતમાં આપેલી લિંક મારફતે પોતાની વિગતો નોંધાવ્યા બાદ અમીત રોમાનીયા નામના વ્યક્તિએ તેમનો સંપર્ક કર્યો હતો.

આ શખ્સે તેમને axwel.com નામની વેબસાઈટ પર ફોરેક્સ અને કોમોડિટી ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવી આપ્યું હતું. ત્યારબાદ ટેલિગ્રામ પર Axwel_Account_Manager_bot મારફતે સતત સંપર્કમાં રહી રોકાણ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં રૂ. 3,25,313 જમા કરાવ્યા બાદ એપ્લિકેશનમાં સારો નફો દેખાડવામાં આવ્યો હતો, જેના કારણે ફરિયાદીને વધુ રોકાણ કરવાની લાલચ લાગી હતી.

આરોપીઓએ અલગ-અલગ બેંક ખાતાઓમાં RTGS અને IMPS મારફતે નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જેમાં બેંક ઓફ બરોડા, યસ બેંક, કરુર વૈશ્ય બેંક, બેંક ઓફ ઈન્ડિયા અને કોટક મહિન્દ્રા બેંકના ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રીતે ફરિયાદી પાસેથી તબક્કાવાર કુલ રૂ. 24,91,758ની રકમ જમા કરાવવામાં આવી હતી.

જોકે, રોકાણની રકમ કે બતાવવામાં આવેલો નફો પરત મેળવવાનો સમય આવ્યો ત્યારે આરોપીઓએ રકમ પરત આપવાને બદલે ટ્રેડિંગ એકાઉન્ટ બંધ કરી દીધું હતું. એટલું જ નહીં, પ્રોફિટના નાણાં ઉપાડવા માટે ટેક્સ ભરવાના બહાને અલગ-અલગ મોબાઈલ નંબર પરથી ફોન કરી વધુ પૈસાની માંગણી પણ કરવામાં આવી હતી.

આ અંગે અગાઉ 1930 સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હવે સમગ્ર મામલે અમીત રોમાનીયા, ટેલિગ્રામ યુઝર Axwel_Account_Manager_bot તેમજ તપાસ દરમિયાન સામે આવે તેવા અન્ય સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW