HomeGujaratમોરબીમાં યુવકને સોશિયલ મીડિયા મારફતે ફસાવી રૂ. 12 લાખની ખંડણી માગ્યાનો આક્ષેપ,...

મોરબીમાં યુવકને સોશિયલ મીડિયા મારફતે ફસાવી રૂ. 12 લાખની ખંડણી માગ્યાનો આક્ષેપ, પાંચ સામે ફરિયાદ

સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિ સાથે શરૂ થયેલી વાતચીત બાદ યુવકને ધમકાવી મોટી રકમની માગણી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ મોરબીમાં સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ મારફતે યુવકનો સંપર્ક કરી ત્યારબાદ તેને અન્ય વ્યક્તિઓ દ્વારા ઘેરી લેવામાં આવ્યો હોવાનો અને રૂ. 12 લાખની ખંડણી માગવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર રોડ પર આવેલી ભંભોડીની વાડીમાં રહેતા અને હાર્ડવેરની દુકાન ધરાવતા 22 વર્ષીય નરેશભાઈ ચુનીલાલભાઈ નકુમે આ મામલે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઇન્સ્ટાગ્રામ પર એક મહિલાએ નરેશભાઈને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ બંને વચ્ચે મેસેજ દ્વારા વાતચીત શરૂ થઈ હતી. આ દરમિયાન કિશનભાઈ ઉર્ફે રાજુભાઈ મુછડીયા, તેજશભાઈ પઢારીયા, ભાવેશભાઈ મનસુખભાઈ કંઝારીયા, ભીમજીભાઈ મહાદેવભાઈ પરમાર અને એક મહિલા સહિતના આરોપીઓએ યુવકનો સંપર્ક કરી તેની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.

આરોપીઓએ યુવકને ‘તું અમારી બહેન સાથે કેમ વાતચીત કરે છે?’ તેમ કહી રૂ. 12 લાખ આપવાની માગણી કરી હતી. ઉપરાંત, રૂપિયા નહીં આપે તો મારામારી કરી ઇજા પહોંચાડવાની અને યુવકના ઘરે તેમની બહેનને મૂકી જવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે નરેશભાઈ નકુમે પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તમામ હકીકતોના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW