વાંકાનેર શહેરમાં નવા વર્ષની રજાઓ દરમિયાન પરિવાર બહારગામ ગયો હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલી રામેશ્વર સોસાયટીના એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ લોખંડની તિજોરીમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 3,55,500ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, વીસીપરા રામેશ્વર સોસાયટીમાં રહેતા સંજયભાઈ ઉકાભાઈ ચારોલીયાના બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ ચોરી કરી હતી. તસ્કરોએ કોઈ સાધન વડે દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને લોખંડની તિજોરીમાં રાખેલી રૂ. 1.50 લાખની રોકડ, અંદાજે બે તોલાની સોનાની હાંસડી (કિંમત રૂ. 97,500), સોનાની પાંદડીવાળી બુટ્ટી, સોનાની ચેન તેમજ 250 ગ્રામ વજનનો ચાંદીનો કંદોરો ચોરી લીધો હતો.
ચોરી થયેલા રોકડ અને દાગીનાની કુલ કિંમત રૂ. 3,55,500 થવા જાય છે. આ બનાવ અંગે સંજયભાઈ ચારોલીયાએ અજાણ્યા તસ્કર વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી અજાણ્યા આરોપીઓને ઝડપી પાડવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


