મોરબી: ક્યારેક શાળા સુધી પહોંચવાનું અંતર માત્ર રસ્તાનું અંતર નથી હોતું, પરંતુ તે અનેક દીકરીઓના શિક્ષણ અને સપનાઓ વચ્ચેનો અવરોધ પણ બની જાય છે. જોકે, સરકારની શાળા પરિવહન યોજનાએ આ અવરોધને દૂર કરી દીકરીઓના શિક્ષણની સફરને વધુ સરળ બનાવી છે.
મોરબી તાલુકાની પી.એમ. શ્રી માધાપરવાડી કન્યા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. અગાઉ શાળાથી દૂર રહેતી દીકરીઓને દરરોજ શાળાએ આવવા-જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. વાહનવ્યવસ્થાના અભાવે સમયસર શાળાએ પહોંચવું મુશ્કેલ બનતું અને પરિવહન ખર્ચનો બોજ પણ વાલીઓ પર પડતો હતો.પરંતુ હવે પરિવહન સુવિધા મળતાં દીકરીઓની શાળા સુધીની સફર સરળ બની છે. સમયસર શાળાએ પહોંચવાની સાથે અભ્યાસમાં નિયમિતતા અને શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ પણ વધ્યો છે. શાળામાં અગાઉ વિદ્યાર્થીઓની સંખ્યા 240 આસપાસ હતી, જ્યારે 2021 થી આ વાહન સુવિધા ના કારણે આજે શાળામાં 462 વિદ્યાર્થીઓ હોશે હોશે ભણી રહ્યા છે.
આજે આ દીકરીઓ માટે શાળા સુધી પહોંચવાનું અંતર તેમના સપનાઓની વચ્ચે અવરોધ બનતું નથી. શાળા પરિવહન યોજના માત્ર મુસાફરીની સુવિધા નથી, પરંતુ દીકરીઓના શિક્ષણ, આત્મવિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. જ્યારે દીકરીઓને શાળા સુધી પહોંચવાનો માર્ગ સરળ બને છે, ત્યારે તેમના સપનાઓને પણ નવી ઊંચાઈ મળે છે.

