મોરબી જિલ્લામાં ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વિદેશી દારૂના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાંકાનેરમાં જકાતનાકા ચાર રસ્તા નજીક બાતમીના આધારે દરોડો પાડીને પોલીસે વિદેશી દારૂની 55 પેટી અને કુલ 658 બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે રાજસ્થાનના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, SMCની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતા વિદેશી દારૂની કિંમત રૂ.10.41 લાખથી વધુનો જથ્થો મળી આવ્યો હતો. દારૂના જથ્થા ઉપરાંત જીજે 36PN 3099 નંબરની કાર મળી કુલ સહિત કુલ રૂ.35,49,074નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના જાલોર જિલ્લાના ચિતલવાના તાલુકાના ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે દારૂના આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જાલોર, ગુડગાંવ અને મોરબીના શખ્સો સહિત ફોર્ચ્યુનર કારના માલિકની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. SMCની આ કાર્યવાહી બાદ દારૂના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
