વાંકાનેરના આંબેડકરનગર વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં એક શખ્સે રોડ પર પડેલી ઈંટ વડે યુવાનના માથામાં હુમલો કર્યો હતો. યુવકને બચાવવા વચ્ચે પડેલા તેની માતા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, આંબેડકરનગરમાં રહેતા કાર્તિકભાઈ મકવાણા પોતાના ઘર પાસે ઊભા હતા. તે દરમિયાન મોટરસાઇકલ પર આવેલા આરોપી ભાવિન ઉર્ફે પીન્ટુ ચાવડાએ યુવક સામે જોવાની બાબતે બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ મામલો ઉગ્ર બનતા આરોપીએ ગાળો આપી ઈંટ વડે કાર્તિકભાઈના માથામાં હુમલો કર્યો હતો. દરમિયાન પુત્રને બચાવવા દોડી આવેલા માતા ભાવનાબેનને પણ માર મારવામાં આવ્યો હતો.
આ હુમલામાં માતા-પુત્ર બંનેને ઈજાઓ પહોંચતા સારવાર લેવાની ફરજ પડી હતી. બનાવ અંગે કાર્તિકભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
