ખાણ-ખનિજ વિભાગની તપાસમાં 19,653 મેટ્રિક ટન રેતીનું ગેરકાયદે ખનન સામે આવ્યું; એક્સકેવેટર મશીન અને સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી
મોરબી તાલુકાના જૂના સાદુળકા ગામ નજીક મચ્છુ નદીના પટમાં ગેરકાયદે રેતી ખનનનો મોટો મામલો સામે આવ્યો છે. ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ-ખનિજ વિભાગની તપાસ દરમિયાન હિટાચી કંપનીનું EX-200 LC SUPER એક્સકેવેટર મશીન નદીના પટમાંથી સાદી રેતીનું બિનઅધિકૃત ખનન કરતું હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન તપાસ ટીમ સાથે ઘર્ષણ અને મારામારી થઈ હોવાના ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા છે.
વિભાગની ટીમ તપાસ માટે સ્થળ પર પહોંચી ત્યારે એક્સકેવેટરનો ઓપરેટર મશીન મૂકીને ભાગી છૂટ્યો હતો. આ દરમિયાન સ્કોર્પિયો અને એન્ડેવર કારમાં આવેલા જયદીપસિંહ ઝાલા, માનવેન્દ્રસિંહ ઝાલા અને હરદીપસિંહ જાડેજાએ સરકારી તપાસ ટીમ સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સિક્યુરિટી ગાર્ડને માર મારવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની પણ ફરિયાદમાં વિગતો સામે આવી છે. આ ઘટનામાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે, માલિકોના કહેવાથી સીઝ કરવામાં આવેલું હિટાચી એક્સકેવેટર મશીન ઓપરેટર નદીના પટમાંથી ભગાવી ગયો હોવાનો આક્ષેપ છે. જોકે, બાદમાં વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતા મશીન જૂના સાદુળકા ગામના પાદરમાં આવેલા ચોરા પાસે વડલાના ઝાડ નીચે બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું.
આ સમગ્ર ઘટનાને પગલે ત્રણેય શખ્સો સામે ગત 27 ઓક્ટોબરના રોજ મોરબી તાલુકા પોલીસ મથકમાં FIR નોંધવામાં આવી હતી. બીજી તરફ, સર્વેયર દ્વારા કરવામાં આવેલી માપણીમાં નદીના પટમાંથી કુલ 17,663.07 મેટ્રિક ટન સાદી રેતીનું ગેરકાયદે ખનન કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. હવે ખાણ-ખનિજ વિભાગે આ મામલે આર્થિક દંડની કાર્યવાહી શરૂ કરી છે. ગેરકાયદે ખનન બદલ રોયલ્ટી, કમ્પાઉન્ડિંગ ફી અને પર્યાવરણીય નુકસાનીના વળતર સહિત કુલ રૂ.61,77,183ની રકમ ભરપાઈ કરવા જયદીપસિંહ ઝાલા, માનવેન્દ્રસિંહ ઝાલા અને હરદીપસિંહ જાડેજાને નોટિસ પાઠવવામાં આવી છે.
વિભાગે ત્રણેયને આગામી 17 નવેમ્બરના રોજ રૂબરૂ હાજર રહી પોતાનો ખુલાસો રજૂ કરવા અથવા નિયત રકમ ભરી મામલો પતાવવા સૂચના આપી છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ કે ભરપાઈ કરવામાં નહીં આવે તો જપ્ત કરાયેલું હિટાચી એક્સકેવેટર મશીન કોર્ટની પ્રક્રિયા મારફતે રાજ્ય સરકાર હસ્તક લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

