મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી જિલ્લાના ટંકારા સેન્ટર ખાતે ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરનાર ખેડૂત ધર્મેન્દ્રભાઈ નાનજીભાઈ ઘોડાસરાની બાકી નીકળતી રકમનો રૂ. 1,07,277નો ચેક જિલ્લા કલેક્ટરના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
ઘઉંની ટેકાના ભાવે ખરીદી દરમિયાન ગોડાઉન પર વેચાણ વેળાએ અને વેચાણ બાદ બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય હોય છે. ટંકારા ખરીદ સેન્ટર પર ઘઉં વેચનાર ખેડૂત ધર્મેન્દ્રભાઈ વેચાણ બાદ બાયોમેટ્રિક પ્રક્રિયા પૂર્ણ કરવાનું ભૂલી ગયા હોવાને કારણે અને શરતચૂકથી ટેક્નિકલ ક્ષતિ સર્જાતા તેમનું ચૂકવણું અટકી ગયું હતું. આ બાબત જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ જિલ્લા મેનેજર (ગ્રેડ-2)ના ધ્યાને આવતા તાત્કાલિક ધોરણે જિલ્લા કલેક્ટર તથા ગાંધીનગર સ્થિત ઉચ્ચ કચેરી અને નિગમનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટરના સતત માર્ગદર્શન અને હકારાત્મક અભિગમ હેઠળ વહીવટી તંત્ર દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી સહિતની સઘન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ટૂંકા સમયગાળામાં આ ટેક્નિકલ ક્ષતિનું સફળ નિવારણ લાવી, ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર સામે નિયમોનુસારની કાર્યવાહી કરી નાણાકીય વસૂલાતની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી.
દિવાળીના પાવન પર્વ પૂર્વે જ પોતાના ઘઉંની વેચાણ કિંમતના પૂરેપૂરા નાણાં મળી રહેતા ખેડૂત ધર્મેન્દ્રભાઈ ઘોડાસરાએ ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે તંત્રની આ ત્વરિત અને સકારાત્મક કામગીરી બદલ સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

