રામપરા સેન્ચુરી રેન્જ દ્વારા છ ગામોની પ્રાથમિક શાળાઓમાં ચિત્ર સ્પર્ધા સહિતની પ્રવૃત્તિઓ યોજાઈ, ૧૩૫ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ
વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણમાં તેમના મહત્વ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના હેતુથી મોરબી જિલ્લાના રામપરા સેન્ચુરી રેન્જ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત વાંકાનેર તાલુકાનાં છ ગામોની પ્રાથમિક શાળાઓમાં ચિત્ર સ્પર્ધા સહિતની વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
વન વિભાગ દ્વારા હોલમઢ, જાલસીકા, વીડી ભોજપરા, પલાસ, ભોજપરા અને જાંબુડિયા ગામની પ્રાથમિક શાળાઓમાં યોજાયેલી આ પ્રવૃત્તિઓમાં આશરે ૩૮૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ ઉપરાંત જાલસીકા અને વીડી ભોજપરા ગામની પ્રાથમિક શાળાઓના આશરે ૧૩૫ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલથી વિદ્યાર્થીઓમાં વન્યજીવો પ્રત્યે જાગૃતિ કેળવવાની સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોનાલી કટોચે વિદ્યાર્થીઓને પર્યાવરણમાં વન્યપ્રાણીઓની ભૂમિકા અને તેમના મહત્વ વિશે સમજણ આપી હતી. સાથે જ વન્યજીવોનું રક્ષણ, સંવર્ધન અને કુદરતી સંપત્તિની જાળવણી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વન્યપ્રાણી સપ્તાહ નિમિત્તે યોજાયેલી આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, વન્યજીવોના સંરક્ષણની ભાવના અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


