HomeGujaratકેન્સરને હરાવી 57ની ઉંમરે સાહસ: અમદાવાદના દંપતીએ રોયલ એનફિલ્ડ પર 4,562 KM...

કેન્સરને હરાવી 57ની ઉંમરે સાહસ: અમદાવાદના દંપતીએ રોયલ એનફિલ્ડ પર 4,562 KM પ્રવાસ કરી 19,024 ફૂટ ઊંચા Umling La પર લહેરાવ્યો વિજયધ્વજ

એક જ Royal Enfield Classic 350 પર 22 દિવસમાં 4,562 કિમીની સફર; 19,024 ફૂટ ઊંચા Umling La પર પહોંચ્યા દક્ષેશ અને ભાવના શાહ

અમદાવાદ: લદ્દાખના આકાશને સ્પર્શતા પર્વતો વચ્ચે આવેલા Umling La સુધી બાઈક પર પહોંચવાનું સપનું અનેક બાઈકપ્રેમીઓ જોતા હોય છે. પરંતુ આ સપનાને 57 વર્ષની ઉંમરે સાકાર કરવાની હામ રાખવી અને તેને હકીકતમાં ફેરવવી એ પોતાના જ પ્રકારનું સાહસ છે. અમદાવાદના દક્ષેશ શાહ અને ભાવના શાહએ એક જ Royal Enfield Classic 350 પર અમદાવાદથી Umling La સુધીની સાહસિક સફર ખેડીને આ વાત સાબિત કરી છે.

55 અને 57 વર્ષની ઉંમરના આ દંપતીએ 22 દિવસમાં કુલ 4,562 કિલોમીટરનો પ્રવાસ કર્યો અને 23 સપ્ટેમ્બરે 19,024 ફૂટ ઊંચાઈ પર આવેલા Umling La, વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ પાસ તરીકે ઓળખાતા સ્થળે પહોંચ્યા. વર્ષ 2025 માં દક્ષેશભાઈને પગમાં કેન્સરની ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું. કેન્સરઅને હરાવ્યા બાદ તે બંનેનું સપનું હતું વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ પાસ મોટરસાઈકલ દ્વારા સર કરવાનું.

સફરની શરૂઆત અમદાવાદથી થઈ હતી. જોધપુર અને સુરતગઢ થઈને અમૃતસર પહોંચ્યા ત્યાંથી કટરા, શ્રીનગર, સોનમર્ગ અને દ્રાસ થઈને કારગિલ પહોંચ્યા, જ્યાં કારગિલ વોર મેમોરિયલની મુલાકાત લીધી. લામાયુરુ થઈને તેઓ લેહ પહોંચ્યા. લેહ થી સૌ પ્રથમ ખારડુંગલા પાસની ઊંચાઈ પર જઈ જાતની ચકાસણી કરી. આ સફર માત્ર સાહસથી ભરેલી નહોતી, પરંતુ અનેક પડકારોથી પણ ભરેલી હતી. કટરા ખાતે તબિયત બગડતાં બે દિવસ રોકાવું પડ્યું હતું. શ્રીનગર અને લેહમાં પણ તબીબી સલાહ અને દવા લેવાની જરૂર પડી હતી. તેમ છતાં દંપતીએ સફર અટકાવી નહીં અને પોતાના મુખ્ય લક્ષ્ય તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું.

લેહથી હાનલે થઈને તેઓ Umling La તરફ આગળ વધ્યા. 23 સપ્ટેમ્બરે ફોર્ટીલા અને ચિસુમલે માર્ગે તેઓ Umling La પહોંચ્યા ત્યારે વર્ષો થી જોયેલું એક મોટું સપનું સાકાર થયું. ઊંચાઈ, ઠંડી, બદલાતું હવામાન અને લાંબી મુસાફરીની મુશ્કેલીઓ વચ્ચે પણ દંપતીએ પોતાની Royal Enfield Classic 350 પર આ સફર પૂર્ણ કરી.
લદ્દાખમાં હિમવર્ષા અને ઠંડીનું પ્રમાણ વધતાં દંપતીએ વધુ સ્થળોની મુલાકાત લેવાને બદલે પરત ફરવાનો નિર્ણય કર્યો. પરત ફરતી વખતે પાંગ, જિસ્પા, મનાલી, ચંડીગઢ, જયપુર અને ઉદયપુર થઈને 30 સપ્ટેમ્બરે અમદાવાદ પરત ફર્યા.

દક્ષેશ અને ભાવના શાહ માટે આ સફર માત્ર 4,562 કિલોમીટરનું અંતર કાપવાની નહોતી. તે એક વિચારને જીવંત કરવાની સફર હતી—સપના જોવા માટે ઉંમર નાની કે મોટી હોતી નથી અને તેને સાકાર કરવા માટે હિંમત, તૈયારી અને દૃઢ નિશ્ચય જરૂરી છે. તેમની આ સફરનો સંદેશ પણ એટલો જ સરળ છે: “ઉંમર વધે એટલે સપનાઓ નાના કરવાની જરૂર નથી.”

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW