HomeGujaratટ્રાન્સમિશન લાઈન મુદ્દે ખેડૂતોની સંમતિ વગર કાર્યવાહીનો આક્ષેપ

ટ્રાન્સમિશન લાઈન મુદ્દે ખેડૂતોની સંમતિ વગર કાર્યવાહીનો આક્ષેપ

MRCની એકતરફી કાર્યવાહી સામે કિસાન સંઘર્ષ સમિતિનો વિરોધ

મોરબી જિલ્લામાં ટ્રાન્સમિશન લાઈન અને ટાવર ઉભા કરવા માટે ખેડૂતોને આપવામાં આવેલી નોટિસને લઈને કિસાન સંઘર્ષ સમિતિએ પ્રશાસન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ખેડૂત નેતા મહેશ રાજકોટીયાએ આક્ષેપ કર્યો છે કે, ખેડૂતોની સંમતિ વગર MRCમાં હાજર રહેવા માટે આપવામાં આવેલી નોટિસ કાયદાકીય પ્રક્રિયા અને ખેડૂતોના અધિકારો વિરુદ્ધ છે.

સમિતિના જણાવ્યા મુજબ, 21 સપ્ટેમ્બર 2026ના રોજ ખેડૂતોને નોટિસ આપી 24 સપ્ટેમ્બરે MRCમાં હાજર રહેવા જણાવાયું હતું. આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને ઈ-મેલ મારફતે રજૂઆત કરી સાત કાયદાકીય મુદ્દાઓ અંગે લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે.

સમિતિએ રાજ્ય સરકારના 4 જુલાઈ 2026ના ઉર્જા વિભાગના ઠરાવના મુદ્દા નંબર 7નો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે, વળતરની પ્રક્રિયા અને ખેડૂતની સંમતિ બાદ જ કામ શરૂ કરવાની જોગવાઈ છે. તેમ છતાં ખેડૂતો પર એકતરફી કાર્યવાહી માટે દબાણ કેમ કરવામાં આવી રહ્યું છે તે અંગે સવાલ ઉઠાવવામાં આવ્યો છે.

સાથે જ, ખેતીની જમીનના મૂલ્યાંકન માટે કાયદેસર લાયકાત ધરાવતા વેલ્યુઅરની યાદી અંગે પણ સમિતિએ સ્પષ્ટતા માંગી છે. હાઈકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પક્ષ અને જમીન પર ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે કથિત વિસંગતતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

કિસાન સંઘર્ષ સમિતિની મુખ્ય માંગણીઓ

  1. ખેતીની જમીનનું મૂલ્યાંકન કરવા કાયદેસર લાયકાત ધરાવતા વેલ્યુઅરની યાદી જાહેર કરવામાં આવે.
  2. સંબંધિત કાયદા મુજબ માન્ય વેલ્યુઅરની યાદી આપવામાં આવે.
  3. કાયદેસર યાદી જાહેર ન થાય ત્યાં સુધી 21 સપ્ટેમ્બરની નોટિસ રદ કરવામાં આવે.
  4. ખેડૂતની લેખિત સંમતિ વગર કોઈ બેઠક કે મૂલ્યાંકનની કાર્યવાહી ન કરવામાં આવે.
  5. ભવિષ્યમાં ખેડૂતોને દબાણમાં મૂકતી નોટિસો આપવાનું બંધ કરવામાં આવે.

મહેશ રાજકોટીયાએ ચીમકી આપતા જણાવ્યું છે કે, જો ખેડૂતોના સાત સવાલોના લેખિત જવાબ આપી તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો કિસાન કોંગ્રેસ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતના ખેડૂતોને સાથે રાખીને 2222 કારના કાફલા સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ અંગેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને પ્રશાસનની રહેશે તેમ તેમણે જણાવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW