HomeGujaratમફત ઠંડુ ન આપ્યું તો માથાકૂટ! મીરા પાર્કમાં વેપારીને ધમકી અને દુકાનમાં...

મફત ઠંડુ ન આપ્યું તો માથાકૂટ! મીરા પાર્કમાં વેપારીને ધમકી અને દુકાનમાં તોડફોડ

વાવડી રોડ પર આવેલી મીરા પાર્ક સોસાયટીમાં દુકાનદાર સાથે માથાકૂટ, ગાળાગાળી અને દુકાનમાં તોડફોડ કર્યાના આક્ષેપ સાથેનો બનાવ સામે આવ્યો છે. વેપારીની ફરિયાદ મુજબ, એક શખ્સે દારૂના નશામાં આવી મફતમાં ઠંડા પીણા માંગ્યા બાદ ઉશ્કેરાઈને દુકાનમાં માથાકૂટ કરી હતી. 112ની ટીમને જાણ કરાતા શખ્સ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે તેના ઘરે જઈ ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, મીરા પાર્ક ખાતે આવેલી મોમાઈ ડેરી એન્ડ બેકરીમાં વેપારી જયેન્દ્રગીરી પી. ગોસ્વામી અને તેમના પત્ની જાગૃતિબેન હાજર હતા. આ દરમિયાન મીરા પાર્કમાં રહેતો અશોક પરમાર નામનો શખ્સ કથિત રીતે દારૂના નશામાં દુકાને આવ્યો હતો અને ઠંડા પીણા મફતમાં માંગ્યા હતા.

વેપારીએ મફતમાં વસ્તુ આપવાનો ઇનકાર કરતાં અશોક પરમાર ઉશ્કેરાયો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ ગાળાગાળી કરી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છૂટા પથ્થરો વડે દુકાનમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. બનાવને પગલે વેપારીએ 112 પર ફોન કરતાં પોલીસ ટીમ સ્થળે પહોંચે તે પહેલાં શખ્સ ત્યાંથી નાસી ગયો હતો.

આ અંગે વેપારીએ એ-ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. વેપારીના આક્ષેપ મુજબ, શરૂઆતમાં પોલીસ દ્વારા માત્ર અરજી લેવામાં આવી હતી.

દરમિયાન, રાત્રિના સમયે અશોક પરમાર ફરી દુકાને આવ્યો હોવાનો અને હાથમાં ધોકો રાખી દાદાગીરી કરી ફરી માથાકૂટ કરી હોવાનો આક્ષેપ છે. આ સમયે તેણે ‘પોલીસ મારું કંઈ નહીં કરી શકે’ તેમ કહી ધમકી આપી હોવાનો પણ વેપારીનો આરોપ છે. ફરીથી 112 પર જાણ કરવામાં આવતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી.

બનાવની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને બાદમાં અશોક પરમારની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સમગ્ર બનાવ અંગે મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશભાઈ પટેલને પણ જાણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

હવે સમગ્ર મામલે પોલીસ દ્વારા વિધિવત ફરિયાદ નોંધી કઈ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તેના પર નજર છે. વેપારી દ્વારા દુકાનમાં તોડફોડ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતના કરાયેલા આક્ષેપોની પોલીસ તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW