મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલી પાન-માવાની દુકાન પર જૂની બોલાચાલીનો અદાવત રાખીને કારમાં આવેલા શખ્સોએ દુકાનદાર સહિત બે યુવકો સાથે મારામારી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલા દરમિયાન લાકડાના ધોકા અને પાણીની બોટલ વડે માર મારવામાં આવતા દુકાનદારને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ઈજા થઈ હતી. જ્યારે તેને છોડાવવા વચ્ચે પડેલા મિત્રને પણ માર મારવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે મહેન્દ્રનગરમાં રહેતા અને વેપાર કરતા ચંદ્રેશભાઈ રણછોડભાઈ પનારા (ઉ.વ. 36)એ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અગાઉ શૈલેષભાઈ ગોરીયા સાથે ચંદ્રેશભાઈની બોલાચાલી થઈ હતી. આ જૂની બાબતનો ખાર રાખીને શૈલેષભાઈ પોતાના ત્રણ સાથીદારો સાથે આઈ-20 કારમાં ચંદ્રેશભાઈની દુકાન પાસે પહોંચ્યો હતો.
આરોપીએ પોતાના એક સાથીને ચંદ્રેશભાઈને દુકાનની બહાર બોલાવવા મોકલ્યો હતો. ત્યારબાદ શૈલેષભાઈએ તેમની સાથે ગાળાગાળી શરૂ કરી હતી. ચંદ્રેશભાઈએ ગાળો ન બોલવા જણાવતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન આરોપીએ ત્યાં પડેલા લાકડાના ધોકાથી ચંદ્રેશભાઈના હાથ, પગ અને માથાના ભાગે માર મારી ઈજા પહોંચાડી હતી.
ચંદ્રેશભાઈ હુમલાથી બચવા માટે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતા આરોપીના એક સાથીએ તેમને પકડી લીધા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન ચંદ્રેશભાઈના સાથી દિવ્યેશભાઈ તેમને છોડાવવા વચ્ચે પડ્યા હતા. ત્યારે આરોપીના સાથીએ મોટી ખાલી પાણીની બોટલ વડે દિવ્યેશભાઈને માર માર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર મારતાં તેમના કાનના ભાગે ઈજા થઈ હતી.
બનાવ અંગે ચંદ્રેશભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

