ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 46 વર્ષીય પરસોત્તમભાઈ વશરામભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની કંપનીનું UPS ખરાબ થતાં તેને એસ્સાઈ ડિજિટ્રોન્સ પ્રા.લિ. દ્વારા ગાંધીધામ ખાતે મોકલવામાં આવ્યું હતું. UPSની ડિલિવરી લગભગ દસ દિવસ સુધી ન મળતાં તેમણે DTDC કુરિયરની ઓનલાઈન માહિતી મેળવવા માટે ગૂગલ પરથી કસ્ટમર કેર નંબર શોધ્યો હતો.
આ નંબર પર સંપર્ક કર્યા બાદ સામેવાળા વ્યક્તિએ કુરિયર સંબંધિત વિગતો ભરવા માટે એક લિંક મોકલી હતી. ફરિયાદીએ આ લિંક મારફતે કંપનીનું સરનામું અને પિનકોડ સહિતની વિગતો દાખલ કરી હતી. ત્યારબાદ રૂ. 5.55 જેટલો નાનો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ચાર્જ ભરવા માટે કહેવામાં આવ્યું હતું.
ફરિયાદી દ્વારા ટ્રાન્ઝેક્શન કર્યા બાદ થોડા જ સમયમાં તેમના એક્સિસ બેંકના ખાતામાંથી અલગ-અલગ RTGS અને IMPS ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. 4,42,005.90ની રકમ ફેડરલ બેંકના એક ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ હતી.
બેંક ખાતામાંથી મોટી રકમ ઉપડી ગયાની જાણ થતાં ફરિયાદીએ સમગ્ર મામલે ટંકારા પોલીસનો સંપર્ક કર્યો હતો. આ અંગે પોલીસે ફરિયાદના આધારે બેંક એકાઉન્ટ ધારક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના ફરી એકવાર ઓનલાઈન કુરિયર સેવા માટે ગૂગલ પરથી મળતા અજાણ્યા કસ્ટમર કેર નંબરની ખરાઈ કર્યા વગર તેનો ઉપયોગ ન કરવા અને કોઈપણ શંકાસ્પદ લિંક પર બેંકિંગ વિગતો કે ટ્રાન્ઝેક્શન ન કરવા અંગે સાવચેતી રાખવાની જરૂરિયાત દર્શાવે છે.

