HomeGujaratમોરબીમાં ‘આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ’ વિષય પર વિશેષ સંવાદ યોજાયો

મોરબીમાં ‘આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ’ વિષય પર વિશેષ સંવાદ યોજાયો

મોરબી ખાતે તા. 23 ઓગસ્ટ, 2026ના રોજ શ્રી સરસ્વતી શિશુમંદિર ખાતે વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ 2026ના સંદર્ભમાં ‘આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ’ વિષયને કેન્દ્રમાં રાખીને વિશેષ વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વર્લ્ડ હિન્દુ કોંગ્રેસના મુખ્ય શિલ્પી પૂજ્ય સ્વામી વિજ્ઞાનાનંદજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વૈશ્વિક સ્તરે હિન્દુ સમાજને આર્થિક રીતે સશક્ત બનાવવા તથા સંગઠિત કરવાની દિશામાં માર્ગદર્શન આપ્યું હતું.

વાર્તાલાપ દરમિયાન સ્વામી વિજ્ઞાનાનંદજીએ જણાવ્યું હતું કે, વિશ્વના અનેક દેશોમાં વસતા હિન્દુ સમાજના લોકો અર્થતંત્ર તેમજ ભૌગોલિક-રાજકીય ક્ષેત્રે નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યા છે. ભારતના આર્થિક વિકાસ સાથે ભારતીય સંસ્કૃતિ, જ્ઞાન અને પરંપરાઓને વિશ્વસ્તરે પહોંચાડવામાં પણ હિન્દુ સમાજનું યોગદાન મહત્વપૂર્ણ છે. હિન્દુ સમાજને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવી વૈશ્વિક સ્તરે નેતૃત્વની ક્ષમતા વિકસાવવાના હેતુથી વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ મહત્વનું પ્લેટફોર્મ બની રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ માત્ર વિચારોની આપ-લે કે ચર્ચા પૂરતું મર્યાદિત મંચ નથી, પરંતુ વિશ્વભરના હિન્દુ વેપારીઓ અને ઉદ્યોગપતિઓને એકબીજા સાથે જોડીને નવા વ્યવસાયિક અવસરો ઊભા કરવાનો પ્રયાસ કરે છે. વૈશ્વિક બજારમાં પ્રવેશ, મૂડીની ઉપલબ્ધતા, નવી ટેક્નોલોજીનો ઉપયોગ, કુશળ માનવબળનું સંકલન તેમજ યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

સ્વામીજીએ વિશ્વભરના હિન્દુ વેપારીઓ અને ઉદ્યોગપતિઓને પરસ્પર વિશ્વાસ અને સહકારના મજબૂત નેટવર્કનું નિર્માણ કરવા આહ્વાન કર્યું હતું. આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાથે સમાજના વિવિધ વર્ગોના હિત માટે સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે તો સશક્ત અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરી શકાય તેમ તેમણે જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન આગામી વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ 2026 અંગે પણ માહિતી આપવામાં આવી હતી. મુંબઈના જિયો કન્વેન્શન સેન્ટર ખાતે તા. 18થી 20 ડિસેમ્બર, 2026 દરમિયાન યોજાનારા આ વૈશ્વિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવા ઉપસ્થિતોને અપીલ કરવામાં આવી હતી. વિશ્વભરના હિન્દુ સમાજને એક મંચ પર લાવી શિક્ષણ, અર્થતંત્ર, સમાજ, સંસ્કૃતિ અને ધર્મ સહિતના વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હોવાનું જણાવાયું હતું.

આ પ્રસંગે પશ્ચિમ ક્ષેત્રના માનનીય સંઘચાલક ડૉ. ભાડેશિયા, BAPSના પૂજ્ય હરિ સ્મરણ સ્વામીજી સહિત મોરબીના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, યુવાનો તથા વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વૈશ્વિક હિન્દુ સમાજના આર્થિક સશક્તિકરણ અને સહકાર વધારવાના પ્રયાસને આવકાર્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક દિનેશ હરિપરા, પ્રમુખ મોરબી જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી તથા ઉપપ્રમુખ મોરબી પેપરમિલ એસોસિએશન, સહસંયોજક હસમુખભાઈ હાલપરા, ખજાનચી મોરબી જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી, મંત્રી સવજીભાઈ રંગપરિયા, સી.એ. રાજેશભાઈ અરેણિયા તેમજ વિવિધ સંપર્ક જૂથોના સંયોજકો, સહસંયોજકો અને વ્યવસ્થા ટીમના સભ્યોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW