મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફ્ટી અને આગથી બચાવ અંગે જનજાગૃતિ વધારવા માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત એક શાળામાં ફાયર પ્રિવેન્શન અંગે તાલીમ યોજાઈ હતી, જેમાં કુલ 115 વિદ્યાર્થીઓ તેમજ શાળાના સ્ટાફને આગ લાગતી વખતે કઈ રીતે સાવચેતી રાખવી અને ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે વિવિધ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તેમજ ફાયર સેફ્ટી સિસ્ટમનું ઇન્સ્ટોલેશન અને તેની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ફાયર સેફ્ટીમાં ખામી અથવા જરૂરી સુવિધાઓનો અભાવ જણાયેલી બિલ્ડીંગોને નોટિસ આપવામાં આવી હતી. સાથે જ સંબંધિત સંચાલકોને ફાયર સેફ્ટી જાળવવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શિકા આપવામાં આવી હતી.
દરમિયાન 3 ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) તથા 3 હંગામી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ માટેની અરજીઓ પણ પ્રાપ્ત થઈ છે, જેને જરૂરી કાર્યવાહી માટે આર.એફ.ઓ. કચેરી ખાતે મોકલી આપવામાં આવી છે.
અગ્નિશમન શાખાનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબી શહેરના નાગરિકોને ફાયર સેફ્ટી અંગે જાગૃત કરવાનો, આગ સામે ઉપયોગમાં લેવાતા સાધનોની યોગ્ય પદ્ધતિથી જાણકારી આપવાનો તેમજ ઇમરજન્સીના સમયે તાત્કાલિક પગલાં લેવા અંગે માર્ગદર્શન આપવાનો છે. સમયસર સાવચેતી અને યોગ્ય કાર્યવાહીથી આગની નાની-મોટી ઘટનાઓને ગંભીર સ્વરૂપ ધારણ કરતી અટકાવી શકાય છે અને જાનમાલનું નુકસાન પણ ટાળી શકાય છે.
મોરબી શહેરમાં આગ કે અન્ય કોઈ ઇમરજન્સીની ઘટના બને ત્યારે નાગરિકો મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનો સંપર્ક કરી શકે છે. આ માટે (02822) 230050, 101 અથવા 112 નંબર પર જાણ કરી શકાય છે.

