વાંકાનેરના વઘાસીયા ગામ અને ટંકારા ટાઉનમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાઓનો મોરબી એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ સહિત કુલ રૂ. 5.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
બંધ મકાનોના તાળા તોડી ચોરીની ઘટનાઓ બાદ એલસીબી ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. દરમિયાન અમદાવાદ-રાજકોટ હાઈવે પર વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ પાસે વાહન ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરની નવી બજાજ પલ્સર પર સવાર બે શંકાસ્પદ શખ્સોને અટકાવવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન બંને પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવતા પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં બંનેએ વઘાસીયા અને ટંકારા ખાતે થયેલી ઘરફોડ ચોરીની કબૂલાત આપી હતી. પોલીસે જયસિંઘ ઉર્ફે રાણા શેરાસિંઘ બાવરી અને અર્જુનસિંઘ હીરાસિંઘ પટવાઈ સિકલીગર શીખને ઝડપી આગળની કાર્યવાહી માટે વાંકાનેર સીટી પોલીસને સોંપ્યા છે. ટંકારા ચોરીનો મુદ્દામાલ ટંકારા પોલીસને સોંપવામાં આવ્યો છે.

