મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ મકનસર ગામે વસવાટ કરતા પાકિસ્તાની શરણાર્થી પરિવારો માટે વિશેષ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવતની ઉપસ્થિતિમાં યોજાયેલા કેમ્પમાં શરણાર્થીઓની વિવિધ વહીવટી સમસ્યાઓ સાંભળી સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન ભારતીય નાગરિકતા મેળવવા માટે અરજી કરવાની પ્રક્રિયા, એક્સપાયર થયેલા પાસપોર્ટ અને લોંગ ટર્મ વિઝા (LTV)ના રિન્યુઅલ સહિતના મુદ્દાઓ અંગે કાનૂની અને વહીવટી માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો મેળવવા અંગેની રજૂઆતો પણ સ્વીકારવામાં આવી હતી. લગ્ન પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા તેમજ શરણાર્થી પરિવારોના બાળકોને સ્થાનિક શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ અપાવવા અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કેમ્પના માધ્યમથી શરણાર્થી પરિવારોની વિવિધ રજૂઆતો સાંભળી નિયમો મુજબ તેના નિવારણ માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

