વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે બિનખેતીની જમીન પર કથિત રીતે ગેરકાયદેસર કબજો કરી પાકી બિલ્ડીંગ અને દુકાનોનું નિર્માણ કરી ભાડું વસૂલવામાં આવતું હોવાના આક્ષેપ સાથે એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મુંબઈ ખાતે રહેતા રશ્મિબેન વિશનજી ઠક્કર (ઉં.વ.66)એ આરોપી વિરમ ઘેલાભાઈ ભરવાડ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, રશ્મિબેન તથા તેમના સાથી સોનલબેન વિશનજી ઠક્કરની સંયુક્ત માલિકીની ઠીકરીયાળા ગામના સર્વે નંબર-23ની જમીનમાં આઈ.ઓ.સી.એલ. પંપની બાજુમાં આવેલી 762.36 ચો.મી. ખુલ્લી જમીન પૈકી 196.36 ચો.મી. જમીન પર આરોપીએ કથિત રીતે ગેરકાયદેસર પાકું બાંધકામ કરી દુકાનો બનાવી હતી.
આ દુકાનો ભાડે આપી આરોપી આર્થિક લાભ મેળવી રહ્યો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ રીતે જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી જમીન પચાવી પાડ્યાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020ની કલમ 3, 4(1)(3) અને 5(ગ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

