વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા રૂ.2 કરોડથી વધુના દારૂકાંડમાં છેલ્લા પાંચ મહિનાથી ફરાર જામનગરના ત્રણ આરોપીઓને વાંકાનેર સિટી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, માર્ચ 2026 દરમિયાન વાંકાનેર-રાજકોટ હાઇવે પર સુગર એન્ડ સ્પાઇસ હોટલ નજીકથી વિદેશી દારૂ અને બિયરના જથ્થાથી ભરેલી બંધ બોડી ટ્રક નંબર RJ-14-GP-4506 ઝડપાઈ હતી. પોલીસે ટ્રક સહિત કુલ રૂ.2,18,55,560નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓએ બોગસ ઈ-વે બિલ તથા અન્ય ખોટા દસ્તાવેજો તૈયાર કરી રાજ્ય બહારથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનું કાવતરું રચ્યું હતું. ગુનો નોંધાયા બાદ સંડોવાયેલા આરોપીઓ પોલીસથી બચવા સતત સ્થળ બદલતા રહ્યા હતા અને છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતા.
આરોપીઓની ધરપકડ માટે વાંકાનેર કોર્ટમાંથી BNSSની કલમ 72 હેઠળ વોરંટ મેળવવામાં આવ્યું હતું. દરમિયાન મોરબી જિલ્લા પોલીસ વડા તથા નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પ્રો.પો.ઇન્સ. પી.આર. સોલંકી અને પો.સબ.ઇન્સ. કે.એચ. ભોચીયાની ટીમે બાતમીના આધારે જામનગર ખાતે કાર્યવાહી કરી સુનીલ ઉર્ફે ભુતી ઘનજીભાઈ ડોણાસીયા, રોહિત ઉર્ફે કાનો ચંદુભાઈ લીંબડ અને સુનીલ ઉર્ફે સાગર હમીરભાઈ માણેક સહિત ત્રણેય ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

