મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરમાં ખાણી-પીણી અને ફરસાણની દુકાનો સામે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરી 45 જેટલી પેઢીઓનું નિરીક્ષણ કર્યું હતું. નવાડેલા રોડ, વાવડી રોડ, મહેન્દ્રનગર ચોકડી અને ભક્તિનગર સર્કલ વિસ્તારમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન અનેક સ્થળોએ વાસી, ફૂગ લાગેલા તેમજ અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવતા સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
મહેન્દ્રનગર ચોકડી ખાતે આવેલી ઉમા હોટેલમાંથી ફૂગ લાગેલા પિઝાના બેઝ, વાસી નૂડલ્સ અને મંચુરિયન મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત હોટેલમાં અસ્વચ્છતા જોવા મળતાં સંચાલકને નોટિસ આપવામાં આવી છે. આ જ વિસ્તારમાં આવેલી એક્શન ચાઈનીઝમાંથી પણ મંચુરિયન, નૂડલ્સ અને ભાતનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો હતો.
ભક્તિનગર સર્કલ નજીક આવેલી વિરાટ પાઉભાજીમાંથી ફૂગ લાગેલું આદુ અને વાસી કોફતા મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યાં પણ અસ્વચ્છતા જોવા મળતાં ફૂડ શાખાએ નોટિસ પાઠવી છે.
વાવડી રોડ પર આવેલી મોમાઈ ફાસ્ટફૂડમાંથી મંચુરિયન, વાસી ભાત તેમજ ફૂગ લાગેલા લીંબુ અને ડુંગળીનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે શ્રીયાંશ ફાસ્ટફૂડમાંથી નૂડલ્સ, વાસી બટાકા અને ચટણીનો પણ સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
ઉમા ટાઉનશીપ સામે આવેલી કુળદેવી ફાસ્ટફૂડમાં પણ નૂડલ્સ, ભાત અને મંચુરિયનનો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ શાખાના જણાવ્યા અનુસાર સમગ્ર અભિયાન દરમિયાન અંદાજે 28 કિલોગ્રામ જેટલો અખાદ્ય ખોરાક નષ્ટ કરવામાં આવ્યો છે. ઉપરાંત ફૂડ લાઇસન્સ વિના ધંધો ચલાવતી તેમજ અસ્વચ્છતા ધરાવતી તમામ પેઢીઓને નોટિસ પાઠવવામાં આવી છે. ભવિષ્યમાં આવી તપાસ વધુ કડક બનાવવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

