છોટાઉદેપુર જિલ્લાના વતની અને હાલ મોરબીના ખરેડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરી કરતા અરવિંદભાઈ રાઠવાનો 4 વર્ષનો પુત્ર અવિનાશ વાડીમાં રમી રહ્યો હતો. આ દરમિયાન એક શ્વાને માસૂમ અવિનાશ પર હિંસક હુમલો કરી દીધો હતો.બાળકની ચીસો સાંભળી નજીકમાં જ કામ કરી રહેલા તેના પિતા દોડી આવ્યા હતા. તેમણે શ્વાનના મોંઢા માંથી પોતાના દીકરાને છોડાવવા માટે ભારે તરફડિયાં માર્યા હતા અને ભારે જહેમત બાદ બાળકને છોડાવ્યો હતો. શ્વાનનો આ હુમલો એટલો ગંભીર અને હિંસક હતો કે ગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તરફડતા બાળકે પિતાની નજર સામે જ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. પોતાની નજર સામે જ પુત્રનું મોત થતાં પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને વાડી વિસ્તારમાં શ્રમિક પરિવારના આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી. બનાવ બાદ બાળકના મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો
આ કરૂણ ઘટના અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બાદમાં બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

