HomeGujaratમોરબીમાં સ્કૂલના વાલીઓના WhatsApp ગ્રુપ હેક કરી નાણાં ઉઘરાવનાર શખ્સ ઝડપાયો

મોરબીમાં સ્કૂલના વાલીઓના WhatsApp ગ્રુપ હેક કરી નાણાં ઉઘરાવનાર શખ્સ ઝડપાયો

મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક સાયબર ઠગાઈના કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ફરિયાદ અનુસાર, આરોપીએ સ્કૂલ સંચાલક હોવાનું કહી ફરિયાદીની પત્નીને ફોન કર્યો હતો અને વિશ્વાસમાં લઈ OTP મેળવી તેમનું WhatsApp એકાઉન્ટ હેક કરી લીધું હતું. ત્યારબાદ આરોપીએ તેમના પરિચિતોને ભાવનાત્મક રીતે દબાણમાં મૂકી આશરે ₹30,000ની છેતરપિંડી કરી હતી. એટલું જ નહીં, રાત્રિના સમયે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ₹10 લાખની ખંડણી પણ માંગવામાં આવી હતી.

તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે, આરોપીએ મોરબીની નાલંદા વિદ્યાલય અને ઈ-ઝોન સ્કૂલ સાથે જોડાયેલા વાલીઓના WhatsApp ગ્રુપ તેમજ બ્યુટી પાર્લર વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપને પણ નિશાન બનાવ્યા હતા. તે સ્કૂલ ફી ભરવાના બહાને તેમજ ધાક-ધમકી દ્વારા લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કરતો હતો.

મોરબી સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે વિવિધ ટેકનિકલ પુરાવા તથા માનવ સૂત્રોની મદદથી તપાસ આગળ ધપાવી હતી. તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપી અગાઉ પણ આવા 13 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. ગુનાઓ આચર્યા બાદ તે ગોવા ભાગી જતો અને સામાન્ય રીતે ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરીને પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કરતો હતો.

ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે પ્રિતેશ ઉર્ફે ગોગી મહેશભાઈ પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી. આરોપીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતાં, કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને કેસની વધુ તપાસ ચાલુ છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી Truecaller એપ્લિકેશનનો ઉપયોગ કરીને ખાસ કરીને મહિલાઓના મોબાઇલ નંબર અને વિગતો મેળવતો હતો. ત્યારબાદ તે મહિલાઓને ફોન કરીને ખોટી માહિતી આપતો કે તેમના નંબર પર ભૂલથી OTP આવ્યો છે અને તે OTP શેર કરવા કહેતો. OTP પ્રાપ્ત થતાં જ તે તેમનું WhatsApp એકાઉન્ટ પોતાના કબજામાં લઈ લેતો હતો.

WhatsApp હેક કર્યા બાદ આરોપી મહિલાના બાળકો જે શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા હોય, તે સંસ્થાના સંચાલક તરીકે પોતાને રજૂ કરતો હતો. ત્યારબાદ સ્કૂલના WhatsApp ગ્રુપમાં જોડાયેલા વાલીઓ, ખાસ કરીને મહિલાઓને મેસેજ અથવા કોલ કરીને સ્કૂલ ફી, લાગણીસભર દબાણ, તેમજ ધમકીઓના આધારે પૈસા પડાવવાનો પ્રયાસ કરતો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW