મોરબી તાલુકાના જોધપર નદી વિસ્તારની સીમમાં આવેલી અંબારામભાઈની વાડીમાં સંયુક્ત પરિવારમાં રહેતી રજીયાબેન જબારખાન બલોચે સાસરીયા પક્ષના ત્રણ સભ્યો વિરુદ્ધ માનસિક ત્રાસ અંગે મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, તેમના સાસુ જરીનાબેન મીરખાન બલોચ, જેઠ રૂસ્તમખાન મીરખાન બલોચ તથા જેઠાણી જેનમબેન મોહમદખાન બલોચ દ્વારા ઘરકામ અને અન્ય બાબતોને લઈને વારંવાર મેણાં-ટોણાં મારવામાં આવતા હતા. સતત અપમાનજનક વર્તન અને માનસિક હેરાનગતિના કારણે તેઓ ભારે તણાવમાં મુકાઈ ગયા હતા.
રજીયાબેને આક્ષેપ કર્યો છે કે, રોજિંદા ઘરકંકાસ અને સાસરીયા પક્ષના અસહ્ય ત્રાસથી કંટાળી જઈ તેમણે ખેતરમાં રાખેલી ઘાસમાં છાંટવાની ઝેરી દવામાંથી બે ઢાંકણા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાની જાણ થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. રજીયાબેનની ફરિયાદના આધારે મોરબી મહિલા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

