મોરબી તાલુકાના રાજપર (કુંતાસી) ગામના મહિલા સરપંચે ગામના જ બે વ્યક્તિઓ સામે જાતિ આધારિત અપમાનજનક ટિપ્પણીઓ કરવા, ધમકી આપવા તેમજ પંચાયતની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ મૂકતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, મૂળ વડોદરાના રહેવાસી અને હાલ રાજપર (કુંતાસી) ગામે વસવાટ કરતા તેમજ ગામના સરપંચ તરીકે ફરજ બજાવતા નર્મદાબેન મનોજભાઈ ધોરીયાણી (ઉ.વ. 32) ગામની દુકાનેથી સામાન ખરીદી પરત ફરી રહ્યા હતા ત્યારે આરોપી મનસુખભાઈ અવચરભાઈ દેત્રોજાએ તેમને અપમાનજનક શબ્દોમાં સંબોધન કરી, “હું તને ગમે ત્યારે સરપંચ પદેથી સસ્પેન્ડ કરાવી દઈશ,” કહી ધમકી આપી હતી.
આ ઉપરાંત, ફરિયાદમાં જણાવાયું છે કે, મનસુખભાઈ દેત્રોજા અને સંદિપભાઈ ખીમજીભાઈ મેંદપરા પંચાયત કચેરી તરફ જતા સમયે આજની બેઠકમાં કોઈ નિર્ણય થવા નહીં દેવાની અને સરપંચને પદ પરથી હટાવી દેવાની વાતો કરી હતી. સાથે જ જાહેરમાં જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો ઉચ્ચારી સરપંચનું માનહનન કર્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

