રાજ્ય સરકારે વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈટેન્શન વીજ લાઈનોના કારણે અસરગ્રસ્ત ખેડૂતોને વધુ યોગ્ય વળતર મળે તે માટે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી વિવિધ ખેડૂત સંગઠનો અને ખેડૂતો તરફથી વળતરની નીતિમાં સુધારાની સતત માંગ ઉઠી રહી હતી. ખેડૂતોની રજૂઆતોને ગંભીરતાથી લઈને સરકારે છેલ્લા લગભગ 12 દિવસ દરમિયાન સતત મેરેથોન બેઠકો યોજી હતી, જેમાં કેટલીક બેઠકો મધરાત સુધી ચાલી હતી. આર્થિક તેમજ વહીવટી પાસાઓનું વિસ્તૃત મૂલ્યાંકન કર્યા બાદ ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, અત્યાર સુધી વીજ લાઈન અથવા વીજ ટાવર માટે ખેડૂતોને જંત્રીના બમણા દરે વળતર આપવામાં આવતું હતું. હવે આ પદ્ધતિમાં ફેરફાર કરીને જમીનના વર્તમાન બજારભાવના બમણા દરે વળતર ચૂકવવાની નવી વ્યવસ્થા અમલમાં આવશે. બજારભાવ નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટી (MRC)ની રચના કરવામાં આવશે. આ સમિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, બંને પક્ષના મૂલ્યાંકન નિષ્ણાતો (વેલ્યુઅર) તેમજ જિલ્લા કલેક્ટરનો સમાવેશ રહેશે.
સરકારે વળતરની ગણતરીમાં પણ ખેડૂતોને વધુ લાભ મળે તે માટે ટાવરના પાયાના વિસ્તાર સાથે વધારાનો એક મીટર વિસ્તાર ઉમેરવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત અગાઉ 40-40-20ના તબક્કાવાર ધોરણે ચૂકવાતું વળતર હવે એક જ હપ્તામાં અગાઉથી ચૂકવવામાં આવશે, જેથી ખેડૂતોને લાંબી રાહ જોવાની જરૂર નહીં રહે.
નવી વળતર નીતિ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં જમીનના બજારભાવના 30 ટકા, નગરપાલિકા વિસ્તારોમાં 45 ટકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં 60 ટકા વળતર ચૂકવવામાં આવશે. સરકારે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે જેમને અગાઉના નિયમો મુજબ વળતર મળી ગયું છે, પરંતુ જ્યાં વીજ લાઈનનું કામ હજુ પૂર્ણ થયું નથી, તેઓને પણ નવા નિયમોનો લાભ આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના હજારો અસરગ્રસ્ત ખેડૂતોને નોંધપાત્ર આર્થિક રાહત મળશે અને લાંબા સમયથી ચાલી રહેલી વળતરની માંગનો અંત આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

