મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં વીજ પોલ સંબંધિત વળતરના પ્રશ્ને ખાસ ધ્યાન ખેંચ્યું હતું. બેઠક દરમિયાન તમામ મંત્રીઓએ ખેડૂતોને વધુ ન્યાયસંગત અને વધારેલું વળતર આપવા માટે સહમતિ વ્યક્ત કરી હતી. હવે રાજ્ય સરકાર ખેડૂત સંગઠનો અને આગેવાનો સાથે ચર્ચા કરીને તેમના સૂચનો તથા માંગણીઓ પર વિચાર કરશે. ત્યારબાદ સરકાર અંતિમ નિર્ણય જાહેર કરશે. મુખ્યમંત્રીની મંજૂરી બાદ વળતરની રકમ અને તેની અમલવારી અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેને લઈને ખેડૂતોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
વીજ પોલ મુદ્દો કૃષિ અને રાજકીય બંને દ્રષ્ટિએ મહત્વનો માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો આ મુદ્દે વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન અને આંદોલનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ખેડૂતોને રાહત મળે તેવી નવી નીતિ જાહેર કરી શકે છે અથવા કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. પરિણામે આજની કેબિનેટ બેઠક પર રાજ્યભરના ખેડૂતો અને અન્ય સંબંધિત વર્ગોની ખાસ નજર ટકેલી છે.

