મોરબી નજીક આવેલી રફાળેશ્વર જીઆઇડીસીમાં એક સિરામિક ફેક્ટરીના ગોડાઉનમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે કામગીરીમાં જોડાઈ હતી. આ ફેક્ટરીની જગ્યા ગોડાઉન તરીકે ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનને ભાડે આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉન મેનેજર એચ. જી. રાઠોડના જણાવ્યા મુજબ, ગોડાઉનમાં મગફળીનો જથ્થો સંગ્રહિત હતો અને થોડા દિવસો અગાઉ ફ્યુમિગેશન (જંતુનાશક દવાની પ્રક્રિયા) કરવામાં આવી હતી. આ કારણે છેલ્લા આઠથી દસ દિવસથી ગોડાઉન સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું હતું. બપોરે અંદાજે 1:44 વાગ્યે ગોડાઉનમાંથી ધુમાડો નીકળતો જોવા મળતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ગોડાઉન બંધ હોવાથી અંદર કોઈની અવરજવર ન હતી. જેના કારણે આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી અને તેનું કારણ તપાસનો વિષય બન્યો છે. આ ઘટનામાં આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવી છે. આગ પર કાબૂ મેળવવા માટે મોરબીની ચાર, રાજકોટની બે અને વાંકાનેરની એક મળી કુલ સાત ફાયર બ્રિગેડની ટીમો સતત કામગીરી કરી રહી છે.


