HomeGujaratહળવદના દેવળિયા ગામે વિદ્યાર્થિનીના મોત બાદ મહિલાઓનો ઉગ્ર વિરોધ, ચક્કાજામ કરી ન્યાયની...

હળવદના દેવળિયા ગામે વિદ્યાર્થિનીના મોત બાદ મહિલાઓનો ઉગ્ર વિરોધ, ચક્કાજામ કરી ન્યાયની માંગ

હળવદ તાલુકાના જૂના દેવળિયા ગામમાં બુલેટ બાઇકની ટક્કરે 11 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત થતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ઘટનાના વિરોધમાં આજે ગામની મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવી હતી અને દેવળિયાથી ચરાડવા જતા મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓ રોડ પર બેસી જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયોહતો. પ્રદર્શનકારીઓએ અકસ્માત માટે જવાબદાર યુવકો સામે કડક અને ઝડપી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.

મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે અકસ્માતમાં સંડોવાયેલ યુવક છેલ્લા કેટલાક દિવસોથી શાળાએ આવતી-જતી દીકરીઓને પરેશાન કરતો હતો. બાઇક પર ફરીને અશોભનીય ઇશારા કરતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.

ગ્રામજનોએ દીકરીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરતાં જવાબદાર તંત્રને દાખલારૂપ કાર્યવાહી કરવાની અને ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓ ન બને તે માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે શાળામાંથી ઘરે પરત ફરી રહેલી ચાર વિદ્યાર્થિનીઓને બુલેટ બાઇક પર સવાર ત્રણ યુવકોએ ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ધોરણ-6માં અભ્યાસ કરતી 11 વર્ષીય રોશની મનીષભાઈ ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જ્યારે અંકિતા દિનેશભાઈ ઠાકોર (12), રીના મહેશભાઈ ઠાકોર (11) અને જાનવી સુરેશભાઈ ઠાકોર (12) ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે હળવદ અને જેતપરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક અને આક્રોશનો માહોલ છવાઈ ગયો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે ગ્રામજનો જવાબદારો સામે કડક કાર્યવાહી અને પીડિત પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW